કચ્છમાં પકડાયેલા 15 પાકિસ્તાની માછીમારોનો ઈરાદો શું છેઃ સુરક્ષા એજન્સી કરશે સઘન તપાસ

ભુજઃ તાજેતરમાં જ ઑપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને ભારતે ધૂળ ચાટતું કરી દીધું, છતાં કંગાળ થઈ ગયો પાડોશી દેશ તેમની ફિતરત છોડતો નથી. પાકિસ્તાને ફરી ભારતમાં ઘુસણખોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો. તેમણે ભારતમાં ઘુસવા કચ્છનો માર્ગ પસંદ કર્યો, પરંતુ અહીંની સુરક્ષા એજન્સીઓએ તેમને પકડી પાડ્યા.
આ અંગે મળતી માહિતી અનુસાર સરહદી સલામતી દળ દ્વારા કચ્છના અરબી સમુદ્રની અત્યંત સંવેદનશીલ કોરી ક્રીક પાસેથી ૧૫ જેટલા પાકિસ્તાની ઘુસણખોરોને ઝડપી લેવાયા છે, જયારે કેટલાક નાસી છૂટ્યા હોવાની શંકાના આધારે સમગ્ર દરિયાઈ વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન શરૂ કરી દેવાયું છે.
મળતી સત્તાવાર માહિતી પ્રમાણે, સરહદી સલામતી દળની ૬૮ બટાલિયન, ૧૭૬ બટાલિયન અને તેની વોટર વિંગ દ્વારા શનિવારે હાથ ધરાયેલાં આ સંયુક્ત ઓપરેશનમાં આ પાકિસ્તાની ઘુસણખોરોને મોડી સાંજે ઝડપી લેવાયા છે. શનિવારે આ કોરી ક્રીક વિસ્તારમાં સ્થાનિક ચોકિયાત નૌકાઓ અને હાઈસ્પીડ પેટ્રોલ ક્રાફટની મદદ લઇ જવાનોએ એક યોજનાબદ્ધ સર્ચ ઓપરેશન અહીં શરૂ કર્યું હતું અને તેમને બે સંદિગ્ધ એન્જીન વાળી બોટ નજરે પડતાં તત્કાળ તેમને આંતરી લેવાઈ હતી જે દરમ્યાન ૧૫ જેટલા પાકિસ્તાની માછીમારો ઝડપી લેવાયા હતા, જો કે કેટલાક પાકિસ્તાની માછીમારો નાસી છૂટવામાં સફળ નીવડ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે. આ માછીમારો ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળ સીમામાં, ભારતીય સીમામાં ઘુસી આવીને માછીમારી કરી રહ્યા હતા. આમ તો થોડા સમય પહેલાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા એક કરાર મુજબ, જયારે જયારે અરસપરસની જળસીમામાં જો કોઈ માછીમારો ઘુસી આવે તો તેમની તલાશી લઇ, યોગ્ય પૂછપરછ કરી હોટ-લાઈન દ્વારા ભારતીય અને પાકિસ્તાની સુરક્ષા એજન્સી વચ્ચે વાતચીત થયા બાદ આવા પકડાયેલા માછીમારોને પાછા ભારતમાં કે પાકિસ્તાનની સરહદ પર છોડી દેવામાં આવે છે, પરંતુ હાલની પરિસ્થિતિને જોતાં માછીમારના સ્વાંગમાં કોઈ તાલીમબદ્ધ પાકિસ્તાની ત્રાસવાદી ભારતીય સીમામાં ઘુસી તો આવ્યા નથી ને? તે બાબત આકરી પૂછપરછ કરીને ચકાસવામાં આવે છે. તેથી આ તમામ માછીમારોને હાલ અટકમાં લઇ, તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને જો જરૂર પડશે તો તેમને ભુજ ખાતેના જોઈન્ટ ઇન્ટરોગેશન સેન્ટર ખાતે ખસેડવામાં આવશે.
દરમ્યાન, આ માછીમારો અને જેમાં તે સવાર થઈને આવ્યા એ એન્જીન વાળી બોટની ચકાસણી કરાતાં બોટમાંથી માછીમારીના સાધન, ૨૦૦ રૂપિયાનું પાકિસ્તાની ચલણ તેમજ માછલીઓનો મોટો જથ્થો મળી આવ્યો છે. કોઈ સંદિગ્ધ બાબત હજુ સુધી જાણવા મળી નથી.
ઉલ્લેખનીય છે કે, દર વખતે ગણેશ ચતુર્થી અને નવરાત્રી પર્વની આસપાસ પાકિસ્તાન દ્વારા, માછીમારોના સ્વાંગમાં તાલીમબદ્ધ ત્રાસવાદીઓને ભારતની સરહદમાં ઘુસાડવાના પ્રયાસો કરાય છે અને આ વખતે પણ બરાબર ગણેશ ચતુર્થી અને આસો નવરાત્રીના પર્વો નજીક છે ત્યારે પાક.માછીમારો કચ્છની જળસીમાએ પકડાયા છે. પાકિસ્તાનની ‘મોડ્સ-ઓપરેન્ડી’ પ્રમાણે માછીમારોના સ્વાંગમાં, માછીમારોની બોટને મોટેભાગે હરામી નાળા કે કોરી ક્રીકના દરિયાઈ રસ્તે ભારતીય સીમમાં ઘુસાડવામાં આવે છે અને એક વખત ભારતીય સીમામાં ઘુસી આવ્યા બાદ તેમાંથી કેટલાક ત્રાસવાદીઓ પોતાના સ્થાનિક સંપર્કોની મદદથી ભારતના અન્ય શહેરો જેવાં કે અમદાવાદ,મુંબઈ, હૈદરાબાદ સુધી પહોંચી જાય છે. ૨૦૦૮ના મુંબઈ હુમલાનો કારસો રચવા પાકિસ્તાની ત્રાસવાદીઓ, પાકિસ્તાનના કરાંચી નજીકના દરિયામાંથી આજ હરામી નાળા અને કોરી ક્રીક પાર કરીને, છેક ભારતીય સીમામાં કચ્છમાં પ્રવેશ્યા હતા અને અહીંથી છેક મુંબઈ સુધી પહોંચી ગયા હતા.
દરમ્યાન, કચ્છની આંતરરાષ્ટ્રીય જળસીમાએથી એકસાથે ૧૫ જેટલા પાકિસ્તાની માછીમારો ઝડપી લેવાતાં સુરક્ષા એજન્સી સતર્ક બની છે અને સમગ્ર દરિયાઈ વિસ્તારની એર-રેકી પણ કરવામાં આવી રહી છે.
આપણ વાંચો: કચ્છમાં BSFની મોટી કાર્યવાહી, કોરી ક્રીકમાં પાકિસ્તાની 15 ઘૂસણખોરોની ધરપકડ…