કચ્છમાં સવાર અને સાંજના તાપમાનમાં 15 ડિગ્રીનો તફાવતઃ દિવાળી ટાઈમે તબિયતનું રાખજો ધ્યાન

ભુજઃ ગુજરાતમાં ઠંડીએ વહેલો ચમકારો બતાવ્યો છે. વહેલી સવારે અને મોડી રાત થતાં માહોલ ઠંડોથઈ જાય છે. સૌથી વધારે ઠંડી કચ્છ જિલ્લામાં અનુભવાતી હોય છે ત્યારે અહીં સવાર-બપોરના વાતાવરણમાં લગભગ 15 ડિગ્રી જેટલો ફરેફાર જોવા મળે છે.
ક્લાઈમેટ ચેન્જની અસર હેઠળ પૃથ્વીના ઋતુચક્ર પર થઇ રહેલી વિપરીત અસરોથી વિશ્વભરના મોસમ વૈજ્ઞાનિકો ચિંતામાં મૂકાયા છે ત્યારે નૈઋત્ય ચોમાસાની વિદાય અને શિયાળાના આગમન વચ્ચે કચ્છના લઘુતમ તાપમાનમાં ૧૦ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાતા મોડી સાંજ બાદ ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે,અલબત્ત મહત્તમ તાપમાન ૩૩થી ૩૬ ડિગ્રી વચ્ચે રહેતાં દિવસભર ગરમીની આણ બરકરાર રહી છે.
જિલ્લા મથક ભુજમાં આજે મહત્તમ ૩૬ જયારે લઘુતમ ૨૪ ડિગ્રી સે.તાપમાન નોંધાતા બેવડી ઋતુ અનુભવાઈ રહી છે, રાત્રે ૨૪-૨૫ ડિગ્રી સાથે ભેજના પ્રમાણમાં વધારો થતાં ગુલાબી ઠંડીના ચમકારા સાથે ઝાકળવર્ષાથી માર્ગો ભીંજાયેલા જોવા મળી રહ્યા છે,બીજી તરફ નલિયામાં દિવસે ૩૨ ડિગ્રી જયારે રાત્રે ૧૮ ડિગ્રી સે.જેટલું નીચું તાપમાન રહેતાં શિયાળો જાણે આસપાસ હોય તેવી અનુભૂતિ થઇ રહી છે.
દરમ્યાન, શરદી, ખાંસી સાથે વાયરલ બીમારીઓએ દેખા દીધી હોવાથી દિવાળીના તહેવારોના શરૂ થઇ ચૂકેલા કાઉન્ટડાઉન વચ્ચે લોકોને તબિયત પરત્વે વધુ સાવચેત રહેવાની નિષ્ણાત તબીબો સલાહ આપી રહ્યા છે.