ભુજ

Tourism: હવે લખપત જશો તો ઐતિહાસિક કિલ્લા સાથે આ નઝારો પણ જોવા મળશે

ભુજ: પ્રવાસન માટે દેશ-વિદેશમાં જગવિખ્યાત બની રહેલા ભાતીગળ પ્રદેશ કચ્છના વિરાન બનેલા સરહદી લખપતને પ્રવાસીઓની અવરજવરથી સતત ધબકતું રાખવા માટે અહીંના ઐતિહાસિક કિલ્લા પર રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા કાયમી લાઈટ-શો શરૂ કરવામાં આવશે.

પાકિસ્તાનને અડીને કોરી ક્રીકના કિનારે આવેલા સરહદી વિસ્તાર લખપતના ઐતિહાસિક કિલ્લાને આજીવન લાઈટથી ઝળાહળા રાખવા માટે ટેન્ડર બહાર પડ્યા પછી દિલ્હીની ફર્મને ત્રણેક કરોડનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. અંદાજિત બેથી અઢી મહીનામાં આ કિલ્લાની સાત કિલોમીટરમાં પથરાયેલી કાળમીંઢ દીવાલો પર રેડ,ગ્રીન,બ્લુ, મલ્ટીકલર લાઈટ લગાડવાનું કામ પૂર્ણ થતાં પ્રવાસીઓ અહીં નજારો માણી શકશે.

આ લાઇટ શો ઉપરાંત આસપાસના પ્રવાસન સ્થળોના વિકાસ માટે પણ ટૂંક સમયમાં પગલાં ભરવામાં આવશે. મહત્વની બાબત એ છે કે, આ કિલ્લાથી પાકિસ્તાનની ભૂમિસીમાં માત્ર ૧૮ કિલોમીટર દૂર છે અને લાઇટ શો ૧૫ કિલોમીટર દૂરથી પણ નિહાળી શકાશે જેથી બે સદી પહેલાંની એક સમયના લખપત બંદરની જાહોજલાલીનો અંદાજો પ્રવાસીઓ મેળવી શકશે.
૧.૩ કિલોમીટરના મુખ્ય પ્રવેશદ્વારની સાથે કિલ્લાની અંદર આવેલાં ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો જેમાં પીર ઘોષ મહમદનો કૂબો, હાટકેશ્વર મંદિર, સૈયદ પીરનો કુબો, અકબાની મહેલ, નીલકંઠ મહાદેવ મંદિર પર પણ આરજીબીડબ્લ્યુ લાઇટિંગનું કામ કરવામાં આવશે. સામાન્ય દિવસોમાં આ લાઇટીંગ પીળા રંગની રાત્રે દેખાશે પણ તહેવારો અને રાષ્ટ્રીય પર્વ પર અલગ-અલગ રંગોના પ્રકાશ વડે રોશની કરવામાં આવશે.

લખપત તાલુકામાં આવેલા પ્રસિદ્ધ તીર્થધામ માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, લખપત ગુરુદ્વારા ખાતે સરકાર દ્વારા સુવિધાઓ વિકસાવાઈ રહી છે જેથી ધાર્મિક પ્રવાસન વિકસ્યુ છે આ ઉપરાંત દેશમાં પ્રથમ બોર્ડર ટુરિઝમના ભાગરૂપે લક્કીનાળા ખાતે બોટ સેવા શરૂ કરાઇ અને હવે પડાલા ક્રિક ખાતે ટેન્ટ સીટી બનાવી પ્રવાસીઓ ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ પરથી પસાર થઈ ચેરીયાના જંગલોમાં ફરી શકે તેવી સુવિધા ઉભી થઇ રહી છે જેનું ટૂંક સમયમા લોકાર્પણ થશે. આ ઉપરાંત નારાયણ સરોવર જંગલ સફારી આકાર લઈ રહી છે જેથી સરહદી તાલુકો પ્રવાસનમાં વૈવિધ્ય ધરાવે છે.પ્રવાસન સર્કિટના ભાગરૂપે નારાયણ સરોવરમાં પ્રથમ વખત ટેન્ટસિટી પણ બનાવવામાં આવશે.

આ પણ વાંચો…સુજલામ સુફલામ રાજ્યને ફળી હોવાનો સરકારનો દાવોઃ સરકારે માહિતી આપતા કહ્યું કે

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના અંતિમ છેડા સમા લખપતના કિલ્લાનું કચ્છના ઇતિહાસમાં અનેરૂ સ્થાન છે. વર્ષ ૧૮૧૯માં આવેલા મહાભુકંપ અગાઉ સિંધુ નદીની એક શાખા અહીં સુધી આવતી અને અરબી સમુદ્રમાં મળતી હતી. અહીંના બંદરે એક લાખ કોરીની આવક હોવાથી તેનુ નામ લખપત પડયુ હતું. બીજી એક માન્યતા પ્રમાણે રાવ લખપતના નામ પરથી આ બંદરનુ નામ પડયુ હોવાનું કહેવાય છે. જોકે ભૂકંપના લીધે રણમાં પ્રાકૃતિક રીતે બનેલા અલ્લાહબંધના લીધે સિંધુ નદીનું પાણી આવતુ બંધ થયુ અને આ નગરની પડતી શરૂ થઈ હતી. ૨૦૦ વર્ષ પહેલા અહીંની વસતી ૧૫ હજાર હતી જે હવે ઘટીને માંડ ૫૦૦ પર પહોંચી ચુકી છે. જે.પી દત્તા દ્વારા દિગ્દર્શિત,અભિષેક બચ્ચન અને કરીના કપૂર ખાનની પ્રથમ ‘રેફ્યુજી’ ફિલ્મ સહીત અનેક ફિલ્મોમાં ચમકી ગયેલા આ કિલ્લા પર ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button