‘એકના ડબલ’ની લાલચઃ ભુજની ઠગ ત્રિપુટીએ મધ્ય પ્રદેશના યુવકને ૯૫ હજારમાં છેતર્યો…

ભુજ: એકના ડબલ પૈસાને કરી દેવાના નામે દેશભરના લોકો સાથે છેતરપિંડી આચરતી રહેતી ભુજની ઠગ ત્રિપુટીએ મધ્ય પ્રદેશના યુવકને ભુજ બોલાવીને ૯૫ હજારની ઠગાઈ કરી હતી. બીજી તરફ, મુંદરા પોલીસે નકલી સોના અને એકના ડબલની લાલચ આપી ઠગાઈ કરવાનો પ્રયાસ કરતા ભુજના ૬૪ વર્ષના વૃદ્ધને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મધ્ય પ્રદેશના બડવાનીમાં રહેતો અને ગામમાં મોબાઈલ ફોનની એસેસરીઝની દુકાન ધરાવતા ૨૫ વર્ષિય શ્રેયાંશ જૈન નામના યુવકને નિશાના પર લઈને ભુજની ઠગ ટોળકીએ આર્વન જૈન નામની ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી તેને એકના ડબલ રૂપિયા મળવાની લોભામણી સ્કીમ આપી હતી.
વાતચીત બાદ વિશ્વાસમાં આવેલો શ્રેવાંશ ગત સવારે ટ્રેનથી ભુજ આવ્યો હતો. આ ટોળકીએ તેને ભુજ બસ સ્ટેશન પાસે બોલાવ્યો અને નંબર વગરની સફેદ બલેનો કારમાં તેને બેસાડીને ત્રિ-મંદિર વિસ્તારમાં લઈ ગઈ હતી.
અહીં તેની પાસેથી ૯૫ હજાર રૂપિયા લઈ લીધા હતા અને હિલ ગાર્ડન નજીક ખુલ્લાં મેદાન પાસે તેને લઈ ગયા. ત્યારબાદ રૂપિયાની નોટો કારની ડીકીમાંથી લઈ લેવા શ્રેયાંશને જણાવ્યું હતું.
આ વેળાએ કારને હંકારી મૂકી દેતાં રસ્તા પર ઘસડવાથી ભોગ બનનારના હાથ પગે ઈજાઓ પહોંચી હતી. જી.કે. જનરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ શ્રેયાંશ સ્થાનિક ગુન્હાશોધક શાખાની કચેરીએ પહોંચ્યો હતો.
પોલીસે તેને આ ગેંગના આરોપીઓના ફોટો બતાડતાં તે ત્રણે આરોપીઓને ઓળખી ગયો હતો. આરોપીઓની ઓળખ થયા બાદ શ્રેયાંશે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે સાહિલ રમજુ સમેજા (કેમ્પ એરિયા, ભુજ), કરીમ ઈબ્રાહિમ ત્રાયા (સીતારા ચોક, ભુજી) અને આમદશા કરીમશા રોખડાડા (આલાવારા કબ્રસ્તાન પાછળ) વિરુધ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.
બીજી તરફ, મુંદરા પોલીસે ભોળા લોકો સાથે ઠગાઈના હેતુથી નકલી સોનાના બિસ્કીટ અને ચલણી નોટોના થપ્પાના ફોટો તથા વીડિયો બનાવીને, ઇન્સ્ટાગ્રામ-ફેસબુક પર અપલોડ કરનારા ભુજના ૬૪ વર્ષિય ઇલિયાસ ઠાઠા બાવા (રહે. કોટવાલ શેરી, લખરાઈ ચાર રસ્તા પાસે, ભુજ)ની ધરપકડ કરી છે.
ઈલિયાસ મુંદરાના સાડાઉ પાસે માલધારી હોટેલ પાછળ એક નિર્જન મકાન પાસે નકલી બિસ્કીટ અને નોટોના ફોટો વીડિયો રેકોર્ડ કરતો હોવાની મળેલી પૂર્વ બાતમીના આધારે પોલીસે તેને બે મોબાઈલ ફોન અને સ્કૂટર સાથે રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
આરોપીએ સલીમભાઇ નામની આઈડી પરથી ઈન્સ્ટાગ્રામના ડીપીમાં નકલી ગોલ્ડ બિસ્કીટનો ફોટો મુક્યો હોવાનું તથા સલીમ ખાન નામથી વોટસએપ પર જુદા જુદા નંબરો પર સોનાના બિસ્કીટના ફોટો વીડિયો ફોરવર્ડ કર્યા હોવાનું પણ સ્પષ્ટ થયું છે.
આ વૃદ્ધ ‘ઠગ’ વિરુધ્ધ,ઠગાઈના હેતુથી સોશિયલ મીડિયા પર નકલી ગોલ્ડ બિસ્કીટ અને નકલી ચલણી નોટોના ભામક ફોટો વીડિયો પોસ્ટ કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો…62 વર્ષીય વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા ખંખેર્યા, એક મહિલા સહિત ત્રણની ધરપકડ