કચ્છ

ભુજની પાલારા જેલમાં કાચા કામના કેદી પાસેથી એક્ટિવ સિમકાર્ડ સાથેનો મોબાઈલ ફોન મળી આવ્યો…

ભુજ: ખામી ભરેલી સુરક્ષાના કારણોસર અવારનવાર સમાચાર માધ્યમોમાં ચમકતી રહેતી ભુજની પાલારા ખાસ જેલમાં ગત મધરાત્રે હાથ ધરાયેલાં ગુપ્ત ઓપરેશન દરમિયાન જેલના બેરેક નંબર ૧૧૧૧માં રહેલા કાચા કામના બંદીવાન પાસેથી એક્ટિવ સીમકાર્ડ સાથેનો મોબાઈલ ફોન, ચાર્જર અને યુએસબી ચાર્જિંગ કેબલ મળી આવતાં ચકચાર મચી ગઈ છે.

જેલની સ્થાનિક ઝડતી સ્ક્વૉડના કાફલા દ્વારા ખાસ જેલની પુરુષ, મહિલા બેરેક અને હાઈ સિક્યોરીટી ઝોનમાં હાથ ધરાયેલી ઝડતી દરમિયાન બેરેક નં. ૧૧૧૧માં રહેલો કાચા કામનો કેદી દાદુ ઉર્ફે રફીક તાજમ હમદ જેડાની હિલચાલ શંકાસ્પદ જણાઈ આવતાં સ્ક્વોડે તેની અંગઝડતી હાથ ધરતાં આ શખ્સ પાસેથી નોકિયા કંપનીનો કીપેડ મોબાઈલ ફોન બીએસએનએલના સિમકાર્ડ સાથે ચાલુ હાલતમાં મળી આવ્યો હતો.

આ હાઈ સિક્યોરિટી જેલની અંદર પ્રતિબંધિત ઉપકરણોનો કોણે અનધિકૃત ઉપયોગ કર્યો છે અને તેના દ્વારા જેલમાં બેઠાં બેઠાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિને આચરવામાં આવી છે કે કેમ, આ ઉપકરણો ક્યારે આ જેલમાં ઘૂસાડવામાં આવ્યાં તે સહિતના અનેક સવાલો સર્જાયાં છે.

જેલના જેલરે બંદીવાન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ અને જેલ અધિનિયમ તળે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજની ભાગોળે આવેલી પાલારા જેલમાંથી સમયાંતરે મોબાઈલ ફોન સહિતની પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળતી જ રહે છે. ફરિયાદો નોંધાતી રહે છે પરંતુ પાછળથી તપાસનો નિષ્કર્ષ કદી જાહેર થતો નથી જે એક આશ્ચર્યની બાબત હોવાનું સુરક્ષાના જાણકારો જણાવી રહ્યા છે.

આપણ વાંચો : મૂળ કચ્છના નિલયભાઈ અંજારિયાની એસસીના ન્યાયાધીશ પદ માટે કોલેજિયમે સર્વાનુમતે કરી ભલામણ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button