કચ્છ

કચ્છમાં ડિજિટલ અરેસ્ટનો વધુ એક બનાવ: ગાંધીધામના વૃદ્ધ દંપતી પાસેથી રૂ. 1.07 કરોડ ખંખેરી લીધા…

ભુજ:થોડા દિવસો અગાઉ ભુજમાં નિવૃત્ત મહિલા પી.એસ.આઈ તેમજ લંડનથી માદરે વતન કેરા આવેલા એન.આર.આઈ વૃદ્ધને સાયબર અપરાધીઓએ ડિજિટલ અરેસ્ટ કરીને ૮૩.૪૪ લાખ અને એક કરોડથી વધુની રકમ પડાવી હોવાના ચોંકાવનારા બનાવોની હજુ શાહી પણ સુકાઈ નથી, તેવામાં ગાંધીધામમાં એકલા રહેતા વૃદ્ધ દંપતીને પણ ડિજિટલ અરેસ્ટ રૂપી જાળમાં ફસાવી, મરણમુડીના રૂ.૧.૦૭ કરોડ પડાવી લેવામાં આવ્યાનો વધુ એક બનાવ સામે આવતાં કચ્છ સહીત બૃહદ કચ્છમાં ચકચાર પ્રસરી છે.

આ અંગે રોમી ડેનિયલ ક્રિશ્ચિયને સાયબર પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત ૩૧-૧૨-૨૦૨૫થી ૨૮મી જાન્યુઆરી દરમિયાન આ બનાવ બન્યો હતો. પુત્રીના અભ્યાસ માટે પત્ની સાથે વડોદરામાં રહે છે, જ્યારે માતા-પિતા ગાંધીધામમાં રહેતા હતા. તેમના પિતા ડેનિયલ મિંજ અને માતા મરિયમાબેનને અજાણ્યા નંબર પરથી મુંબઈની ક્રાઇમ બ્રાન્ચના નામે એક મહિલાએ ફોન કર્યો હતો અને તેમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા.

બાદમાં સીબીઆઈ અને કોર્ટના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપવામાં આવી, મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું જણાવી વોટ્સએપ મારફતે બોગસ હુકમો મોકલવામાં આવ્યા હતા. અગાઉની મોડસ ઓપરેન્ડી મુજબ અહીં પણ મની લોન્ડરિંગના કેસમાં નરેશ ગોયેલ પકડાયાનું કહી તેની પાસેથી તમારા નામનું ડેબિટ કાર્ડ મળ્યાનું જણાવી આ આંતરરાષ્ટ્રીય કેસમાં તેમને ત્રણથી સાત વર્ષની સજા થશે તેમ કહીને વૃદ્ધ માતા-પિતાને ડરાવ્યા હતા.

એક મહિના સુધી ઓનલાઈન વીડિયો કોલ ચાલુ રખાવી યેનકેન પ્રકારે વિવિધ બેંક ખાતામાંથી રૂપિયા ૧,૦૭,૮૪,૦૦૦ પડાવી લેવામાં આવ્યા હતા. પૌત્રીના અભ્યાસ માટે રાખેલી એફ.ડી. પણ તોડી પાડવામાં આવી હતી. આ સમગ્ર મામલાની ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસે અજ્ઞાત આરોપીઓ વિરુદ્ધ આઈ.ટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button