ભુજઃ પૂર્વ કચ્છના ભચાઉ નજીક ફરજમોકૂફ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી સાથે નંબર પ્લેટ વિનાની થાર જીપમાં દારૂ લાવતી વખતે પકડાયા બાદ ગાંધીધામની ભાગોળે આવેલી ગળપાદર જિલ્લા જેલમાં રાખવામાં આવેલા અને પોલીસ દરોડા વખતે અન્ય છ બંદિવાનો સાથે શરાબનું સેવન કરેલી હાલતમાં પકડાયેલા કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજાની રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Kutch માં દારૂની હેરાફેરીમાં બુટલેગર સાથે ઝડપાયેલી કોન્સ્ટેબલ નીતા ચૌધરી સસ્પેન્ડ
ગત જૂનમાં ભચાઉથી થોડે દૂર પોલીસ ઉપર જીપ ચઢાવી અધિકારીને જાનથી મારી નાખવાની કોશિશના પ્રકરણમાં પોલીસે બુટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે સી.આઇ.ડી. ક્રાઇમમાંથી ફરજમોકૂફ કરાયેલી નીતા ચૌધરીને ઝડપી પાડ્યાં હતા.
આ ચકચારી બનાવમાં બુટલેગરને ગળપાદર જિલ્લા જેલમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં ગત શનિવાર-રવિવારની રાત્રે પોલીસવડા સાગર બાગમારની આગેવાની હેઠળ પોલીસે છાપો માર્યો હતો.
પોલીસે કરેલી કાર્યવાહીમાં યુવરાજસિંહ સાથે અન્ય પાંચ શખ્સો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા તેમજ એક્ટિવ સીમ કાર્ડ ધરાવતા મોબાઇલ ફોન અને રોકડ રકમ તથા પલાસ્ટીકની બોટલોમાં સંગ્રહ કરેલો દારૂ પણ મળી આવ્યો હતો. આ કાર્યવાહી અંગે પોલીસે તમામ વિરુદ્ધ અલાયદા ગુના દાખલ કર્યા હતા. આ બનાવ બાદ ગળપાદર જિલ્લા જેલના અધિકારી સહિત પાંચ કર્મચારીને ફરજમોકૂફ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Kutch માં બુટલેગર સાથે મહિલા પોલીસ કોન્સ્ટેબલ દારૂની ખેપ મારતી ઝડપાઇ
દરમ્યાન પોલીસ અને તંત્રએ કડક વલણ અપનાવ્યું હોય તેમ બુટલેગર યુવરાજસિંહની ગળપાદર જેલથી રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરી હતી તેમજ જેલમાં પીધેલા પકડાયેલા અન્યોને પણ અન્યત્ર ટ્રાન્સફર કરવાની તજવીજ હાથ ધરાઇ હોવાનું તપાસકર્તાએ જણાવ્યું હતું.