ભચાઉના આધોઈમાં પોલીસનો મોટો દરોડો: દોઢ કરોડથી વધુની કિંમતનો સોપારીનો જથ્થો ઝડપાયો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભચાઉઃ અઢી વર્ષ અગાઉ મુંદરામાં સોપારીની દાણચોરીના પ્રકરણમાં કેટલાક સ્થાનિક પોલીસકર્મીઓ અને તેના મળતિયાઓએ ૩.૭૫ કરોડ રૂપિયાનું આચરેલું તોડકાંડ ચર્ચાના એરણે ચડેલું છે તેવામાં સરહદી રેન્જની સાયબર સેલની ટુકડી તથા સ્થાનિક પોલીસે ભચાઉ તાલુકાનાં આધોઇ ગામેથી આધાર-પુરાવા વિનાના અંદાજિત દોઢ કરોડના મૂલ્યના સોપારીનો જથ્થો ભરેલાં એક કન્ટેનર ટ્રેઇલરને ઝડપી લેતાં ચકચાર મચી હતી.
આ અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ, ભચાઉનાં આધોઇ ખાતે આવેલાં એક રહેણાંક મકાનમાં સોપારીનો જથ્થો ઊતરી રહ્યો હોવા અંગે મળેલી પૂર્વ બાતમીના આધારે સરહદી રેન્જની સાયબર સેલની ટુકડી અને સ્થાનિક પોલીસે દરોડો પાડ્યો હતો. આ વેળાએ સોપારીનો જથ્થો ભરીને આવેલા કન્ટેનર ટ્રેઇલર (નં જીજે ૧૨ બી વાય ૪૫૩૭) ના ચાલક એવા દીપારામની ધરપકડ કરી લેવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં અમદાવાદના એજાજ અને મોહમદ નામના શખ્સોએ આનંદકુમાર નામના વ્યક્તિને સોપારીનો જથ્થો લેવા માટે કચ્છ મોકલ્યો હતો. જે આ કન્ટેનર ટ્રેઇલરનું પાઈલટિંગ કરી રહ્યો હતો. આ ઉપરાંત અંજારના પરેશ અને આધોઇના મનીષ નામના શખ્સોની પણ સોપારીની હેરાફેરીમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. આ આરોપીઓ પૈકી અમુકને પકડી લેવાયા હોવાનું જાણવા મળ્યું હતું.
આ કાર્યવાહી દરમ્યાન દોઢેક કરોડની સોપારીનો આધાર-પુરાવા વગરનો જથ્થો ઉપરાંત કિયા અને જીપ કમ્પાસ કાર, લેપટોપ, મોબાઇલ ફોન સહિતનો મુદામાલ જપ્ત કરી, આ સોપારી ક્યાંથી મેળવાઈ હતી વગેરે જેવા મુદ્દે તપાસ ચાલી રહી હોવાનું સામખિયાળી વિસ્તારના પી.આઇ.વી.કે.ગઢવીએ જણાવ્યું હતું.



