પૂર્વ કચ્છના ભચાઉમાં હોટેલના માલિકની છરીના ઘા ઝીંકીને કરી હત્યા, એક પકડાયો

ભચાઉ: પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના મોરગર ગામ નજીક ધોરીમાર્ગ પર આવેલી નેશનલ હોટલના માલિકને ત્રણ ઝનૂની શખ્સો દ્વારા છરીના ઉપરા ઉપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારાયા હોવાની ઘટનાથી વધુ એકવાર કચ્છમાં કાયદો-વ્યસ્થાની કથળેલી પરિસ્થિતિ ઉજાગર થવા પામી છે.
શું છે આખી ઘટના?
મોરગરના મુસ્લીમવાસમાં રહેતા મહેબુબ રમજુભાઇ રાયમાએ દુધઇ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.23 મેની રાત્રે મોરગર ખાતે આવેલી નેશનલ હોટલના પાનના ગલ્લાના સંચાલકે ત્રણ યુવકો સિકંદરને અહીં બોલાવવા માથાકૂટ કરી રહ્યા હોવા અંગે ફોન પર જાણ કરી હતી. સિકંદર નેશન હોટલ પર પહોંચ્યો ત્યારે સ્થળ પર હાજર ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં રહેતા નરેન્દ્રપુરી ભીખાપુરી ગુંસાઇ,રાપરના હમીરપરના કલ્પેશપુરી વિશનપુરી ગોસ્વામી અને તેની સાથે આવેલા અજાણ્યા વ્યક્તિએ અગાઉ તેમના વચ્ચે થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખી સિકંદરને માર મારવા લાગ્યા હતા. આ ઘટના સમયે નેશનલ હોટલના માલિક ઉમરભાઇ રાયમા વચ્ચે પડતાં કલ્પેશપુરીએ ઉમરભાઇની છાતી અને માથાં પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યાને અંજામ આપી, બનાવ સ્થળેથી નાસી છૂટ્યા હતા.
આ પણ વાંચો: સમાજસેવક અને ડોક્ટરની પરોપકાર વૃતિએ ભચાઉના પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરને ગુમાવેલી દૃષ્ટિ પાછી આપી
અદાવતમાં વચ્ચે પડેલા હોટલના માલિકની હત્યા
આ બનાવ સંદર્ભે દુધઇ વિસ્તારના પી.આઇ આર.આર.વસાવાએ જણાવ્યું હતુ કે, હોટલ માલિકને મોતને ઘાટ ઉતારનારા યુવકો નેશનલ હોટલ પર જમવા માટે આવતા રહેતા હતા.એક માસ અગાઉ પાન-મસાલાના પૈસા માટે સિકંદર સાથે થયેલા વિવાદની અદાવતમાં વચ્ચે પડેલા હોટલના માલિક ઉમરભાઇને છાતીમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ હતી. નરેન્દ્રપુરીની ધરપકડ કરી લેવામાં આવી છે જયારે અન્યોને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.