ભચાઉ

ભચાઉ નજીકની 1.34 લાખનું સબસિડીયુક્ત યુરિયા ઝડપાયું, ખાનગી કંપનીમાં થવાની હતી ડિલિવરી

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભચાઉઃ ખેડૂતોને મળવાપાત્ર નીમ કોટેડ યુરિયા ભ્રષ્ટ તંત્રની રહેમ નજર હેઠળ કેટલાક ઔદ્યોગિક એકમોમાં પગ કરી જતું હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે પૂર્વ કચ્છના ભચાઉથી ખારોઈ જતા માર્ગ પર આવેલી એક ખાનગી કંપનીમાં ડિલિવરી આપવા જઈ રહેલી પીકઅપ જીપમાંથી રૂા.૧,૩૪,૦૦૦ના યુરિયા ખાતરની ૭૦ જેટલી થેલી પોલીસે જપ્ત કરી બે શખ્સોની ધરપકડ કરી હતી.

ભચાઉ-ખારોઈ માર્ગ પર આવેલી તીર્થ ઈન્સ્ટ્રીઝ નામની પ્લાયવુડનું નિર્માણ કરનારી કંપનીમાં સબસિડીવાળું ખાતર આવવાનું હોવા અંગે મળેલી પૂર્વ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન તીર્થ ઈન્ડસ્ટ્રીઝ પાસે દરોડો પાડવામાં આવતાં સફેદ રંગની પિકઅપ જીપ (નંબર જી.જે-૧૨-વાય-૩૪૭૦)માંથી આધાર-પુરાવા વિનાની યુરિયા ખાતરની ૭૦ થેલીઓ મળી આવતાં કકરવાના જીપ ચાલક મોમાય વેરા ઉંદરિયા તથા કંપનીના પ્લાન્ટ ઓપરેટર મહમદ તસલીન તૈયબઅલી અંસારી (રહે. ભચાઉ)ની ધરપકડ કરી, રૂા. ૧,૩૪,૦૦૦ના સબસિડીવાળા યુરિયાની ૭૦ બોરી કબજે કરવામાં આવી હતી. પકડાયેલા બન્નેની પૂછપરછ દરમ્યાન આ ખાતર ચોબારીના ભરત આહીરે મોકલાવ્યું હતું તેમજ કંપનીના માલિક ભાવેશ મહેતા અને મેનેજર સિદિક ખત્રી હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે ખાતરના નમૂના લઈ ખેતીવાડી અધિકારીઓને જાણ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, યુરિયા ખાતર બારોબાર પગ કરી જતું હોવાની વ્યાપક ગેરરીતિઓને નિયંત્રણમાં લેવા માટે વર્ષ ૨૦૧૫માં કેન્દ્ર સરકારે ખેડૂત સિવાય અન્ય કોઈ વપરાશમાં યુરિયાનો ઉપયોગ થતો હોય તો ખબર પડી જાય એ માટે તેમાં લીમડાનું તેલ ભેળવવાનો નિર્ણય કર્યો હતો.

જો કે, આવા ગોરખધંધા કરનારાંઓને કશો ડર રહ્યો નથી. ગાંધીધામ અને ભચાઉના પટ્ટાની અનેક પ્લાયવૂડ કંપનીઓમાં સરકારી નીમકોટેડ યુરિયાનો ગેરકાયદે ઉપયોગ થતો હોવાની અવારનવાર ફરિયાદો ઉઠે છે. સરકારી અધિકારીઓ દ્વારા આ પ્રકરણમાં આરોપીઓ વિરુદ્ધ કડક પગલાં લેવાય છે કે નહિ એ બાબત પર સૌની મીટ મંડાઈ છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button