ભચાઉના લાખાપરમાં ભેંસો ચરાવવા ગયેલા બે કિશોરોના તળાવમાં ડૂબી જવાથી મોત

ભુજ: કચ્છના ભચાઉ તાલુકાના લાખાપર ગામ ખાતે માલધારી પરિવારના બે કિશોરોના તળાવમાં ડૂબી જવાથી મોત નીપજતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી હતી. આ કરુણાંતિકા અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે બપોરના અરસામાં લાખાપર ગામના માલધારી પરિવારના ૧૪ વર્ષીય કમલેશ બેચાર કોળી અને ૧૩ વર્ષીય દલસુખ હરખા કોળી નામના બે કિશોરો રાબેતા મુજબ તેમના પશુધનને ચરાવવા માટે ગામના સીમ વિસ્તારમાં ગયા હતા. સમયસર ઘરે પરત ન આવતાં ચિંતાતુર પરિવારજનો અને ગ્રામજનોએ બંનેની વ્યાપક શોધખોળ મોડી રાત સુધી કરી હતી પણ બંને બાળકોની કોઇ ભાળ મળી નહોતી.
આ દરમિયાન શનિવારે વહેલી સવારે ગામના તળાવના કાંઠે બંને કિશોરોના ચંપલ જોવા મળતા તળાવામાં ડૂબી ગયા હોવાની પ્રબળ આશંકાના પગલે ગ્રામજનોએ સંબંધિત તંત્રોને જાણ કરતાં પોલીસ કાફલા સાથે ફાયર વિભાગની ટુકડી લાખાપર ગામ પહોંચી હતી અને કડકડતી ઠંડી વચ્ચે બંને લાપતા કિશોરોની શોધખોળ આદરી હતી. આ દરમિયાન એક કિશોરનો મૃતદેહ બે કલાક બાદ અને બીજા કિશોરના મૃતદેહ ત્રણ કલાકે મળી આવ્યો હતો. આ અત્યંત કરુણ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: વિરારમાં ત્રણ વર્ષનો બાળક સ્વિમિંગ પૂલમાં ડૂબી ગયો
ગામમાં સન્નાટો
તળાવ ઊંડું હોવાથી મૃતદેહોને શોધવાની કામગીરી અત્યંત મુશ્કેલ બની હતી. એકસાથે બે હસતા-રમતા બાળકોના અકાળે અવસાનથી કોળી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ઘટનાથી લાખાપર ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો.



