કચ્છ

સોના કરતાં પણ મોંઘી કચ્છની બન્ની નસલની ભેંસ; 14.1 લાખમાં ‘લાડકી’ ભેંસનો વિક્રમી સોદો!

ભુજ: ગુજરાતનો કચ્છ જિલ્લો ભૌગોલિક, સાંસ્કૃતિક રીતે જ નહીં પણ પશુધનની રીતે પણ મહામૂલો પ્રદેશ છે. કચ્છમાં એક ભેંસની કિંમત લાખોમાં આંકાઈ છે. કચ્છ જિલ્લાના લખપત તાલુકાના સાનધ્રો ગામનો પશુપાલક પોતાની બન્ની નસલની ભેંસ વેચીને માલામાલ થઈ ગયો છે. આ ભેંસને ભુજના સેરવા ગામના માલધારી શેરુભાઈ ભલુંએ રૂ. 14.1 લાખમાં ખરીદી છે, જે ગુજરાતમાં ભેંસ વેચાણનો એક નવો વિક્રમ છે. સામાન્ય રીતે કચ્છમાં 5 થી 7 લાખ સુધીના સોદા થતા હોય છે, ત્યારે આ સોદાએ સૌને ચોંકાવી દીધા છે.

કચ્છની બન્ની નસલની ભેંસ કચ્છ-ગુજરાત અને સમગ્ર દેશના માલધારી વર્ગમાં માનતી છે કારણ કે બન્ની નસલની ભેંસ તેના રંગ રૂપ અને તંદુરસ્તી માટે વખણાય છે. આ બન્ની નસલની ભેંસની વિશેષતાની વાત કરીએ તો, તે દૈનિક 27 લીટર દૂધ આપે છે. તેનો રંગ એકસરખો કાળો છે, જ્યારે શીંગડા ચુડકંઢી (કડક) છે, જે બન્ની નસલની ભેંસોમાં ખૂબ આકર્ષક દેખાય છે.

શરીરે તંદુરસ્ત અને સોહામણી દેખાતી આ ભેંસ વસાવવી એ સોના ખરીદવા સમાન માનવામાં આવે છે. બન્ની નસલની ભેંસો મોટાભાગે પરપ્રાંતની ભેંસ કરતા અલગ તરી આવે છે, જેને લઈ તરણેતર સહિતના મેળાઓમાં પશુ હરીફાઈમાં બન્ની ભેંસ વિજેતા બનતી હોય છે. આ રેકોર્ડબ્રેક કિંમતે વેચાયેલી ભેંસનું નામ ‘લાડકી’ છે અને તે સાનધ્રો ગામના માલધારી ગાજી હાજી અલાદાદની હતી.

ગાજીભાઈનો પરિવાર પેઢી દર પેઢીથી પશુપાલનનો વ્યવસાય કરતો આવ્યો છે. હાલ તેમની પાસે 80 જેટલી ભેંસ છે અને તેના મારફતે તેઓ દૈનિક 300 લીટર દૂધ મેળવી વેચાણ કરે છે. તેમના ચાર પૈકી બે મોટા પુત્રો પણ આ જ વ્યવસાયમાં જોડાયેલા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button