કચ્છના દરિયે ફરી બે કન્ટેનર તણાઈ આવ્યા, છેલ્લા અમુક મહિનાથી આવી ઘટનાઓ વધી

કચ્છ: કચ્છના સમુદ્રી તટથી કે કચ્છની સીમાઓથી પાકિસ્તાની ઘુસણખોરો ભારત આવી જાય છે અને સાથે બિનવારસું ડ્રગ્સ મળી આવે છે. આવી ઘટનાઓ તો વારંવાર બને છે, પરંતુ થોડા સમયથી આખાને આખા તોતિંગ કન્ટેનર તણાઈ આવવાની ઘટનાઓ વધી રહી છે.
હવે અંજાર તાલુકાના જોગણીનારના અને મુંદરાના જૂના બંદર આસપાસના સમુદ્ર કિનારેથી બે જેટલા કન્ટેનર મળી આવતાં સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, જોગણીનાર મંદિર આસપાસના સમુદ્રમાં તણાઈ આવેલું કન્ટેનર ટેન્કર મળી આવ્યું હતું. બીજી તરફ, મુંદરાના જૂના બંદર પાસે પણ સમુદ્રમાં તણાઇ આવેલું એક મહાકય કન્ટેનર તણાઈ આવ્યું હતું. કન્ટેનરના ખૂણામાં અંગ્રેજીમાં ઈ.એક્સ. એફ.યુ.૫૬૨૪૬૧૧.નંબર લખેલા હોવાનું જાણવા મળી રહ્યું છે.
દરિયાઈ કાંઠેથી 16 કન્ટેનર મળ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કચ્છ-દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથના દરિયાઈ કાંઠે અત્યાર સુધીમાં ૧૬થી વધારે કન્ટેનરો મળી ચુક્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ ગત જૂન મહિનાની ૨૧મી તારીખે ‘કોમોરોસ ફ્લેગ’ ધરાવતા ઓમાનના દરિયાઈ વિસ્તારમાં ડૂબી ગયેલા એમવી.ફોનિક્સ ૧૫ નામના માલવાહક જહાજના કન્ટેનરો હોવાનું જણાયું છે. આ જહાજ સલાલાથી ૨૦ દરિયાઈ માઈલ ડૂબી જવા પામ્યું હતું અને તેમાં લદાયેલા આ કન્ટેનરો એક હજાર દરિયાઈ માઈલની મુસાફરી ખેડીને ગુજરાતના સાગર કાંઠે પહોંચ્યા હતા જયારે અન્ય કન્ટેનરો પાકિસ્તાનના દરિયામાં તણાયા હતાં.
એમ.વી ફોનિક્સ ૧૫ માલવાહક જહાજ ૧૫ વર્ષ જૂનું હતું અને તે ૧૧૮ મીટર લાબું હતું. તે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (યુએઈ)ના જેબલ અલી બંદરથી સાઉદી અરેબિયાના જેડા બંદર તરફ જઈ રહ્યું હતું અને તે ડૂબી ગયું હતું. જો કે તેમાં સવાર તમામ ૨૦ જેટલા ખલાસીઓને અન્ય બીજા માલવાહક જહાજ દ્વારા ઉગારી લેવાયા હતા. દરિયામાં તણાઈ આવેલા આ કન્ટેનરો પૈકીના બાર કન્ટેનર કચ્છના સાગર કાંઠે પહોંચ્યા હતા જયારે બીજા ચાર દ્વારકાના દરિયામાં પહોંચ્યા હતા, જયારે એક-એક કન્ટેનર પોરબંદર અને ગીર-સોમનાથ જિલ્લાના દરિયા કાંઠે તણાઈ આવ્યાં હતા.
આ પણ વાંચો…ભુજમાં ભાદરવોઃ વરસાદી માહોલ ગયો અને અંગ દઝાડતી ગરમી શરૂ થઈ…