અંજાર

અંજારમાં કરુણાંતિકા: સફાઈ કરવા ટાંકામાં ઉતરેલા યુવકનો ગેસ ગળતરે લીધો જીવ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અંજારઃ પૂર્વ કચ્છના અંજાર તાલુકાના ભીમાસર નજીક આવેલી એક ખાનગી કંપનીના ભૂગર્ભ ટાંકામાં સફાઈ કરવા ઊતરેલા યુવકનું ગેસ ગળતરથી મોત થયું હતું. શંકરલાલ કોલ (ઉ.વ.૩૬) નામના યુવકનું ગૂંગળાઇને મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, અંજારના ભીમાસરમાં રહેનાર શંકરલાલ કોલ નામનો યુવક બી.એન. એગ્રોટેક કંપનીમાં કામ કરતો હતો. ગત સાંજના પાંચેક વાગ્યાના અરસામાં કંપનીનો ભૂગર્ભ ટાંકો સાફ કરવા અંદર ઊતર્યો હતો. આ ટાંકામાં ગેસની માત્ર વધારે હોવાથી ગૂંગળામણ થવા લાગતાં બેભાન થયેલા યુવકને તાત્કાલિક બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ કંડલામાં ખાતે આવી જ રીતે ભૂગર્ભ ટાંકાને સાફ કરવા સુરક્ષા સાધનો વગર નીચે ઉતરેલા ચાર શ્રમિકનાં ગૂંગળાઈ જવાથી મોત થયાં હતાં, ધમડકામાં એક એકમમાં ભડકો થવાથી ત્રણેક મજૂરે જીવ ખોયા હતા. ભૂકંપ બાદ કચ્છમાં બિલાડીના ટોપ જેમ ફૂટી નીકળેલા ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોની સુરક્ષાનો મુદ્દો ભીમાસરમાં બનેલા બનાવ બાદ ફરી સપાટી ઉપર આવ્યો હતો.

આપણ વાંચો:  અમરેલીમાં કાર પલટીને ખેતરમાં ઘૂસી, સૌરાષ્ટ્રમાં અકસ્માતમાં સાત લોકોના પ્રાણ પંખેરૂ ઊડી ગયા!

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button