અંજાર

અંજારની માન ઈન્ડસ્ટ્રીઝ પર ITના દરોડા, વેપારીઓમાં ફફડાટ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અંજારઃ તાલુકાનાં ખેડોઈ ગામ પાસે આવેલા જાણીતા ઔદ્યોગિક એકમમાં આવકવેરા વિભાગની તપાસથી ઔદ્યોગિક આલમમાં ચકચાર પ્રસરી છે. આ અંગે મળેલી પ્રાથમિક વિગતો મુજબ ખેડોઈ નજીક આવેલી માન ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં ત્રાટકેલા આવક વેરા વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

પાઇપના નિર્માણ કરનાર આ કંપનીની દિલ્હી સ્થિત કચેરી અને ત્રણ એકમો ઉપર પણ વહેલી સવારથી આવકવેરા વિભાગની તપાસ કરવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. આ લખાય છે, ત્યારે મોડે સુધી આવકવેરા વિભાગની તપાસ ચાલુમાં હોવાનું અને સત્તાવાર વિગતો ટૂંક સમયમાં જારી કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

આપણ વાચો: ગુજરાતમાં સૌપ્રથમવાર 30 લાખથી વધુ કિંમતના વેચાણ દસ્તાવેજોની આવકવેરા વિભાગ દ્વારા ચકાસણી: રાજકોટથી પ્રારંભ

થોડા દિવસ પહેલા અમદાવાદમાં વિનોદ ટેક્સટાઈલમાં આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતા. એક સાથે 35 સ્થળો પર આઈટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વિનોદ મિત્તલ અને તેમના ભાઈ સહિત 19 લોકોના નિવાસ સ્થાને આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. 150થી વધુ અધિકારીઓ આ સર્ચમાં જોડાયા હતા. અમદાવાદમાં સેટેલાઈટ, નારોલ પીરાણા, સૈજપુર અને પીપળજમાં આવકવેરા વિભાગની ટીમો ત્રાટકી હતી.

કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ મિલકતો અને જમીનના અનેક મહત્વના દસ્તાવેજો શોધી કાઢ્યા હતા. કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો અને શંકાસ્પદ ટ્રાન્જેક્શનની વિગતો પણ મળી આવી હતી. આ ગ્રુપ સાથે જોડાયેલા અમદાવાદ તથા રાજ્યના વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને ઇન્વેસ્ટરો સુધી તપાસનો રેલો પહોંચે તેવી સંભાવના છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button