અંજાર

સૂકી ધરાને હૈયે હરખ : અંજારના ઐતિહાસિક સવાસર તળાવમાં નવા નીરને વાજતે-ગાજતે વધાવાયા

અંજાર: ગુજરાતમાં સર્વત્ર મેઘમહેર જોવા મળી રહી છે. વરસાદના લીધે રાજ્યના અનેક જળાશયોમાં નવા નિરના આગમન થયા છે. સૂકી ધરા કચ્છમાં પણ થયેલી મેઘમહેરને લઈને ઓગની ગયેલા ડેમ-તળાવોમાં આવેલા નવા નીરને શાસ્ત્રોકત વિધિથી વધાવવામાં આવી રહ્યા છે. કચ્છના અંજારના ઐતિહસિક એવા સવાસર તળાવ ઓગની જતાં વાજતે-ગાજતે શાસ્ત્રોક વિધિથી વધાવવાનો કાર્યક્રમ અંજાર નગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો હતો.

નવા નીરને સંતો-મહાનુભવોની ઉજવણી વચ્ચે વાજતે-ગાજતે તળાવને વધાવાયું હતું. આ વિધિમાં માધવરાયના મંદિરમાં પૂજન વિધિથી તળાવને વધાવવાની વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ શોભાયાત્રા શહેરના શિવાજી માર્ગ, લાખાણી ચોક થઈ સવાસર નાકે આવેલા સવાસર તળાવે પહોંચી હતી. અહી પહોંચીને શાસ્ત્રોક્ત વિધિ સાથે વરૂણ દેવતાનું પૂજન કરી પાલર પાણીને મેઘલાડુનો ભોગ ચડાવી શ્રીફળ-ચૂંદડી અર્પણ કરી મહા આરતી કરવામાં આવી હતી.

તળાવમાં આવેલા નવા નીરને વધાવવા પ્રસંગે સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, રામ સખી મંદિરના મહંત કિર્તીદાસજી મહારાજ, શ્રી મામૈદેવ બગથળા યાત્રાધામના મહંત ખીમજીડાડા ધનજીડાડા માતંગ અને સ્વામિનારાયણ મંદિરના મહંત અને સંતોએ આર્શિવચન પાઠવ્યા હતા. સમગ્ર પૂજાવિધિ અંજારના ધારાસભ્ય ત્રિકમ બીજલભાઇ છાંગાની વિશેષ ઉપસ્થિતિમાં અને નગરપાલિકાના અધ્યક્ષ વૈભવ કોડરાણીના હસ્તે થઈ હતી. ધારાસભ્ય ત્રિકમ છાંગાએ શહેરીજનોની સર્વાંગી ઉન્નતિ થાય તથા નગરપાલિકા અધ્યક્ષ વૈભવ કોડરાણીએ શહેરીજનોના હર્સોલ્લાસમાં વધારો થાય તેવી શુભેચ્છાઓ પાઠવી મેઘલાડુના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

નગરપાલિકા આયોજિત આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપના હોદ્દેદારો, અંજાર નગર પાલિકાના પદાધિકારીઓ, કાઉન્સિલરો, અંજાર શહેર ભાજપના હોદ્દેદારો,નગર પાલિકાના કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button