અંજારમાં રમકડાંની દુકાનમાંથી ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અંજારઃ મકરસંક્રાંતિ પર્વના શરૂ થઇ ચૂકેલા કાઉન્ટડાઉન વચ્ચે માનવો અને પશુ-પક્ષીઓ માટે ઘાતક એવી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વપરાશ અને વેંચાણને નાથવા માટે રાજ્યસ્તરે ચાલી રહેલાં કોમ્બિંગ અંતર્ગત કચ્છ પોલીસે અંજારના ૬ મીટર રોડ પર આવેલી રમકડાંની એક દુકાનમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરાને જપ્ત કરી આરોપી સામે જાહેરનામા ભંગની કાયદેસરની કાર્યવાહી કરી છે.
થોડા દિવસ પૂર્વે રાપરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરાની હડફેટે પાંચ મોટરસાઇકલ ચાલકો ઘવાયા હોવાની ઘટનાના ગણતરીના દિવસો બાદ હરકતમાં આવેલી કચ્છ પોલીસ ભુજ,અંજાર,ગાંધીધામ, રાપર, માંડવી સહિતના મથકોએ વ્યાપક કોમ્બિંગ હાથ ધર્યું છે એ વચ્ચે અંજાર શહેરના ૬ મીટર રોડ પર આવેલી ટોયમોલ એન્ડ સિઝનેબલ નામની દુકાનમાં ચાઈનીઝ દોરી વેચાતી હોવાની પૂર્વ બાતમીના આધારે અહીં દરોડો પાડવામાં આવ્યો હતો. દુકાનની તપાસ દરમ્યાન ‘ફોર ઈન્ડસ્ટ્રીયલ યુઝ ઓન્લી’ મોનો સ્કાય લખેલી, રૂા.૩૦૦૦ની ૬ ચાઈનીઝ દોરીની ફિરકી મળી આવતાં અંજાર પોલીસે લિયાકતઅલી ઈકબાલ મેમણની ધરપકડ કરી, તેના વિરુદ્ધ કાયેદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તાજેતરમાં અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા સાણંદના રણમલ ગામની સીમમાંથી અમૃત રબારીના ફાર્મ હાઉસની ઓરડીમાંથી 7.48 લાખ રૂપિયાની ચાઈનીઝ દોરીનો જથ્થો કબજે કર્યો હતો. પ્રતિબંધિત દોરી ઝડપાયા બાદ પોલીસે તપાસ કરતાં દોરીનો જથ્થો દાદરા અને નગર-હવેલીની ફેક્ટરીમાંથી આવ્યો હોવાનીની જાણ થતાં પોલીસે સંઘપ્રદેશમાં પહોંચી દરોડો પાડ્યો હતો.ફેક્ટરી પરથી 43,000 ચાઈનીઝ દોરીની રીલ સહિત 2.24 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ફેક્ટરી સીલ કરવામાં આવી હતી.
આપણ વાંચો: ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડાઈ એ અભિયાન નહીં પણ ‘જંગ’ છે: હર્ષ સંઘવી



