
અંજાર: કચ્છના અંજાર તાલુકાના ભવાનીપુર નજીક આવેલા તળાવમાં હિંગોળજા વાંઢના પાંચ બાળકો ન્હાવા જતાં ડૂબી ગયા હતા. જેથી ફાયર વિભાગની ટીમ અને તરવૈયાઓેએ શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન 4 બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં હતા જ્યારે એક બાળકની શોધખોળ હાલ ચાલું છે. આ કરુણ ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઈ હતી.
આ પણ વાંચો: અમદાવાદના ચંડોળા તળાવમાં ત્રણ બાળક ડૂબ્યાંઃ બાળકોની મસ્તી કે તંત્રનો વાંક
4 મૃતદેહો બહાર કઢાયા
આ ઘટના અંગે અંજાર પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ ઉદય પોલીસે સ્થાનિક તરવૈયા અને ફાયર વિભાગની ટીમને સાથે રાખીને 4 મૃતદેહોને તળાવમાંથી બહાર ખસેડી લીધા હતા, અને આગળની કાર્યવાહી માટે અંજાર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા.
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા
આ અંગે હિંગોરજા વાંઢના સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે, આજે બપોરના સમયે જમ્યા બાદ વાંઢથી દૂર ભવાની પુર પાસેના તળાવમાં ન્હાતી ભેંસો લેવા ગયેલા માલધારી પરિવારના 5 બાળકો પણ તળાવમાં ન્હાવા પડતા એક બાદ એક તમામ ડૂબવા લાગ્યા હતા. સાંજ સુધી ઘરે પરત ના ફરતા પરિવારજનોએ તળાવમાં શોધખોળ હાથ ધરી હતી અને તંત્રને જાણ કરી હતી. આ ઘટનાના પગલે દુધઈ પોલીસ સ્ટાફ અને અંજાર વહીવટી તંત્રના અધિકારીઓ, 108 એમ્બ્યુલન્સ અને ફાયર ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. બચાવ ટીમે 5 થી 13 વર્ષની ઉંમરના બાળકોના મૃતદેહને બહાર ખસેડી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યાં હતા.