સમુદ્ર કે ટ્રેનઃ કેમ કચ્છમાં ડ્રગ્સ ઘુસાડવાના અલગ અલગ પેંતરા અજમાવાય છે?

ભુજઃ દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં સમુદ્રી માર્ગે ડ્રગ્સ ઘુસાડવાના બનાવો રોજ બને છે, પણ આ સાથે રેલવે મારફતે પણ ઘુસાડવામાં આવતા નશીલા પદાર્થો પકડાતા રહે છે. ફરી આવો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે.
ખાસ કરીને ઓરિસ્સાથી ગાંધીધામ આવતી ટ્રેન અને મુંબઈથી આવતી કચ્છ એક્સપ્રેસ ટ્રેન મારફતે માદક પદાર્થોની હેરાફેરી થતી હોવાના મામલા અનેકવાર પ્રકાશમાં આવી ચૂક્યા છે તેવામાં પુરી- ગાંધીધામ અઠવાડિક એક્સપ્રેસ ટ્રેનમાં એક બિનવારસી બેગમાંથી છ કિલો ૩૪૮ ગ્રામ જેટલો અફઘાની ગાંજો મળી આવ્યો હતો.
આ અંગે રેલ્વે પ્રોટેક્શન ફોર્સના ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર દીપચંદ્ર આર્યએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ટ્રેન નંબર ૧૨૯૯૪ પુરી-ગાંધીધામ વિકલી એક્સપ્રેસના સ્લીપર કોચ નંબર જી/૦૩ બર્થ નંબર ૩૩માં સામાનની તપાસ દરમ્યાન શંકાસ્પદ અને બિનવારસી સ્થિતિમાં એક મરૂન રંગની બેગ મળી આવી હતી.
આ વેળાએ ટ્રેન મહારાષ્ટ્રના ભંડારામાંથી પસાર થઈ રહી હતી. નાગપુર સ્ટેશન પહોંચતા આ બેગને સાવધાનીપૂર્વક ઉતારી લેવામાં આવી હતી. ત્યારબાદ બેગને ખોલવામાં આવતાં અંદરથી પ્લાસ્ટિકના કવરમાં રાખવામાં આવેલો, ૧,૨૬,૯૬૦ રૂપિયાની આંતરરાષ્ટ્રીય કિંમતનો ૬ કિલો ૩૪૮ ગ્રામ ગાંજા મળી આવ્યો હતો. હાલ ટ્રેનમાં આ બેગ કોણ મૂકી ગયું તે જાણવા ગહન તપાસ હાથ ધરવામાં આવી છે તેમ દીપચંદ્ર આર્યએ ઉમેર્યું હતું.