કચ્છ

કચ્છમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ લોકોના અકાળે મોત, પંથકમાં અરેરાટી વ્યાપી…

ભુજ: સરહદી કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન આપઘાત અને અકસ્માતના અલગ અલગ બનાવોમાં 3 લોકોના અકાળે મોત નીપજતાં પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. ગાંધીધામ તાલુકાના ખેડોઈ ખાતેના જગજીવન નગરમાં આવેલા એક મકાનમાં સંભવિત શોર્ટ સર્કીટથી લાગેલી આગના ધુમાડામાં ગુંગળાઈ જવાના લીધે શ્વાસ થંભી જતાં 25 વર્ષના એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે ગાંધીધામ સંકુલના રાજવી ફાટક નજીક પૂરપાટ જતી ટ્રેન તળે આવી ગયેલા અજાણ્યા શખ્સનું મોત નીપજ્યું હતું. આ સાથે ભુજની 29 વર્ષની અફસાના કરીમ કુંભાર નામની પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.

ધુમાડામાં ગૂંગળાઈ જવાથી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત
પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, ખેડોઈના જગજીવન નગરમાં ખેડોઈ કેમ્પ વિસ્તારમાં રહેનાર ભારત નામના યુવાનના ઘરમાં મોડી રાત્રિના સમયે કોઈ કારણોસર ભયાનક આગ ફાટી નીકળી હતી. જેમાં ઘરની અંદર ફસાયેલા ભરતનું ધુમાડામાં ગૂંગળાઈ જવાથી તત્કાળ મૃત્યુ થયું હતું. પ્રાથમિક તપાસમાં શોર્ટ-સર્કિટ થવાથી આગ લાગી હોવાનું તારણ બહાર આવ્યું છે. બીજી તરફ, ગત સાંજે રાજવી ફાટકની આગળ રેલવે ટ્રેકને ઓળંગતી વખતે ટ્રેન નીચે આવી જવાથી અંદાજે 30 વર્ષના અજ્ઞાત યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. હાલ પોલીસે મૃતકની ઓળખ જાણવા કવાયત હાથ ધરી છે.

પરિણીતાએ અજ્ઞાત કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
ભુજના સુરલભીટ્ટ ચાર રસ્તા નજીક એક રહેણાંક વિસ્તારમાં રહેનારી અફસાના નામની એક પુત્રીની માતાએ ગત સાંજના અરસામાં પોતાના ઘરે કોઈ અજ્ઞાત કારણોસર પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર પ્રસરી હતી. આ બનાવ અંગે ભુજ શહેર બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. માત્ર 24 કલાકમાં ત્રણ લોકોના મોત થતા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button