કચ્છમાં મોંઘો સ્માર્ટફોન ના લઈ આપતાં 17 વર્ષના છોકરાએ બોરવેલમાં કૂદીને જીવ આપી દીધો

કચ્છઃ પંથકમાં મોંઘો સ્માર્ટફોન ના લઈ આપતાં 17 વર્ષના છોકરાએ ચોંકાવનારું પગલું ભર્યું હતું. છોકરો બોરવેલમાં કૂદી ગયો હતો. સતત નવ કલાક સુધી ચાલેલા બચાવકાર્ય બાદ પણ યુવાનને બચાવી શકાયો ન હતો અને આખરે તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
શું છે મામલો
મૂળ ઝારખંડનો વતની રૂસ્તમ શેખ નામનો યુવક કુકમા ગામમાં ગોપાલભાઈની વાડીમાં ખેતમજૂરી કરતો હતો. મોંઘો સ્માર્ટફોન ના લઈ આપતા તેમજ પારિવારીક વિખવાદોથી કંટાળી, આવેશમાં આવીને તેણે બોરવેલમાં પડતું મૂક્યું હતું. એક ફૂટ પહોળાઈ ધરાવતા આ બોરવેલમાં યુવક લગભગ ૧૫૦ ફૂટ ઊંડાઈએ ફસાયો હતો. બોરવેલમાંથી બચાવો,બચાવો અવાજ આવવા લાગ્યો હતો, જેથી ઘરના સભ્યો ત્યાં પહોંચી ગયા હતા અને પરિવારે વાડીમલિક ગોપાલભાઈને માહિતી આપતાં તેમણે સ્થાનિક વહીવટી તંત્રને જાણ કરતાં અધિકારીઓ અને ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવકાર્ય શરૂ કરી દીધું હતું.
ભુજ ફાયર વિભાગના ફાયરમેન કમલેશ મતિયાના જણાવ્યા પ્રમાણે, બોરવેલમાં ફસાયેલા યુવકને હેમખેમ બહાર કાઢવા માટે નવ કલાક સુધી હાથ ધરાયેલાં રેસ્ક્યુ ઓપરેશનમાં ભારતીય સૈન્યના જવાનો, બોરવેલનું કામ જાણતા કારીગરો અને ફાયર શાખાના ૧૫ નિષ્ણાત સભ્યો જોડાયા હતા.
યુવક શ્વાસ લઇ શકે એ માટે બોરવેલની અંદર પાઇપલાઈન મારફતે સતત ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો હતો અને હાઈ ડેફિનેશન કેમેરાની મદદ વડે યુવકની બોરવેલની અંદરની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી હતી. મોડી રાત સુધી સફળતા ન મળતા, દેશી પદ્ધતિ અપનાવવામાં આવી હતી.
લોખંડના હૂકને દોરડા વડે બાંધી ગરગડી મારફતે બોરવેલની અંદર ઉતારવામાં આવ્યું હતું અને આ હૂક રૂસ્તમ શેખના કપડામાં ફસાવી તેને બહાર ખેંચી કાઢવામાં આવ્યો હતો અને ૧૦૮ મારફતે તેને તત્કાળ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો, પરંતુ ફરજ પરના તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.



