ભુજ

કચ્છમાં અકસ્માતમાં દસ મહિનાના બાળકનો ચમત્કારિક બચાવ પણ માતા-પિતા…

ભુજઃ રામ રાખે તેને કોણ ચાખે તે વાત ઘણીવાર સાચી પડતી આપણે જોઈજાણી હશે. કચ્છમાં થયેલા એક અક્સમાતમાં પણ દસ મહિનાના બાળકનો જે રીતે બચાવ થયો તે જોતા ઈશ્વર ઈચ્છા સૌથી બળવાન હોવાનું ફરી સાબિત થયું છે.

જોકે ભગવાને બાળકને તો જીવન આપ્યું છે, પરંતુ કમનસીબે તેની પાસેથી પિતાની છત્રછાયા છીનવી લીધી છે અને માતા પણ હજુ ગંભીર હાલતમાં સારવાર લઈ રહી છે. કચ્છમાં 24 કલાકમાં બે અકસ્માતમાં બે જણનો જીવ ગયો છે, જેમાં આ બાળકના પિતાનો પણ સમાવેશ થાય છે.

ભચાઉના વોંધ પાસે મોટરસાઈકલ પર જઈ રહેલાં પરિવારને પાછળથી ટેન્કરે હડફેટમાં લેતાં હરેશ પાંચા મકવાણા (ઉ.વ. ૩૧)નું મોત થયું હતું, તેની પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે તેમના માસૂમ બાળકનો ગમખ્વાર અકસ્માતમાં ચમત્કારિક બચાવ થયો હતો, બીજી તરફ સામખિયાળી નજીક આગળ જતી ટ્રકની પાછળ અન્ય ટ્રક ભટકાતાં તે વાહનના ચાલક ડાયા ગણેશા વીડિયા (ઉ.વ. ૩૯)નું મોત થયું હતું.

આપણ વાંચો: Uttar Pradeshમાં ફરી બે બાળકોનો મોતઃ માસૂમ બાળકીઓનો અક્સમાત કે પછી હત્યા?

પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભચાઉના રાજણસરમાં રહેનાર હરેશ મકવાણા પત્ની અને બાળક સાથે બેંકના કામ અર્થે ભચાઉ જવા મોટરસાઇકલ પર જઈ રહ્યા હતા.

તેઓ રામદેવપીરથી વોંધ વચ્ચે પહોંચ્યા ત્યારે ટેન્કર (નંબર આરજે-૨૫-જીઆર-૩૩૨૭)એ પાછળથી બાઈકને હડફેટે લેતાં હરેશને સારવાર મળે તે પહેલાં મોત મળ્યું હતું, તેની પત્ની પાર્વતીબેનને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. આ અકસ્માતમાં તેમના દસ માસના બાળકનો આબાદ બચાવ થયો છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વધુ એક જીવલેણ માર્ગ અક્સ્માતનો બનાવ સામખિયાળી-માળિયા ધોરીમાર્ગ ખાતે બન્યો હતો જેમાં માતાના મઢથી લિગ્નાઇટ ભરીને બોટાદ તરફ જવા નીકળેલી રાજસ્થાન પાસિંગની ટ્રક મખિયાળી નજીક પહોંચી ત્યારે આગળ જઈ રહેલી ટ્રકની પાછળ જોશભેર અથડાઈ પડતાં કેબિનમાં દબાઈ જવાથી ડાયા રજપૂતનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જયારે ફરિયાદી એવા મહેન્દ્ર સુરા મકવાણાને ઈજાઓ પહોંચી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button