કચ્છના યુવાનનની હત્યાનો ભેદ ઉકેલાયોઃ આરોપી પાંચ વર્ષથી કરતો તો તૈયારી
કચ્છના મેઘપર બોરીચીમાં યશ નામના યુવાનની ભેદી હત્યાનો આરોપી આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. યુવાનના પરિવારના જૂના પાડોશીએ જ પૈસા માટે અપહરણનો કારસો ઘડ્યો હતો અને તે બાદ હત્યા કરી હતી. ચોંકાવનારી વાત તો એ છે કે આરોપી આ ગુના માટે પાંચ વર્ષ પહેલાથી તૈયારી કરતો હતો. આ આખી ઘટના ખૂબ જ જાણીજોઈને કરાયેલા ગુના જેવી છે.
ઘરેથી કૉલેજ જવા માટે ટૂ-વ્હીલર પર નીકળેલાં અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં પાલક માતા-પિતા સાથે રહેતા ૧૯ વર્ષના યશ સંજીવકુમાર તોમરના ભેદી સંજોગોમાં થયેલાં અપહરણ- ખંડણી અને ત્યારબાદ હત્યા કર્યા બાદ ખાડામાંથી મળી આવેલા તેના મૃતદેહના રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનેલાં પ્રકરણનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે અને હતભાગી યશના ભૂતપૂર્વ પડોશી એવા પટેલ યુવક અને તેના સાગરીતની ધરપકડ કરી છે.
આદીપુરની કૉલેજમાં ભણતા યશનું અપહરણ કરી ખંડણી માટે ફોન કરાયો હતો, પરંતુ તે બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
સીસીટીવી કેમેરાની તપાસમાં યશના સ્કૂટર બેગની પાછળ કૉલેજ બેગ લટકાવીને હુડી પહેરેલો એક શખ્સ બેઠેલો દેખાયો હતો. બનાવના દિવસે યશ કોલેજ ગયો નહોતો. દરમિયાન, યશે સોશિયલ નેટવર્કિંગ એપ પર ‘ફસ ગયા’ લખેલી બાવળની ઝાડીની ચાર સેકન્ડની શૅર કરેલી વીડિયો ક્લિપ ધ્યાને આવતાં પોલીસે ઊંડી ટેકનિકલ તપાસ કરતાં આ જગ્યા પંચમુખા હનુમાન મંદિર પાછળ આવેલી બાવળની ગીચ ઝાડીના વિશાળ પટ્ટાની હોવાનું લોકેટ થતાં પોલીસની વિવિધ ટૂકડીઓએ ઝાડીમાં બે દિવસ સુધી ડ્રોન કેમેરાની મદદ લઇ સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
૧૦ નવેમ્બરે પોલીસને ગીચ ઝાડી વચ્ચે તાજો ખોદાયેલો ખાડો જોવા મળ્યો હતો. ખાડા પાસેથી લાપત્તા યશનું બૂટ મળ્યું હતું. બીજા દિવસે પોલીસે જેસીબીની મદદથી પાંચ ફૂટનો ખાડો ખોદાવતાં તેમાંથી યશનો ડીકંપોઝ થઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એક બાબત સ્પષ્ટ થઈ ગઈ હતી કે યશનું અપહરણ થયાના ગણતરીના કલાકો બાદ જ તેની હત્યા કરી, દાટી દેવાયો હતો. ઠંડા કલેજે કાવતરું રચીને એકથી વધુ લોકોએ આ ગુનાને અંજામ આપ્યો હોવાની શંકા દ્રઢ થઈ હતી. પોલીસે વિવિધ એંગલ પર તપાસ કરી પરંતુ કોઈ કડી મળતી નહોતી.
દરમિયાન, સીસીટીવી ફૂટેજીસની ચકાસણીમાં સ્પષ્ટ થયું હતું કે પોલીસને ગુમરાહ કરવાના ઈરાદે યશના સ્કૂટરની પાછળ બેઠેલાં શખ્સે પોતે કૉલેજીયન હોવાનો સ્વાંગ રચવાના હેતુથી કૉલેજ બેગ ધારણ કરીને હુડી પહેરી હતી. કારણ કે રસ્તામાં ક્યાંક તેણે કપડાં બદલાવ્યાં હતાં.
પોલીસે અંજાર, મેઘપર બોરીચી, આદિપુર જીઆઈડીસી, મણિનગર, આદિપુર બસ સ્ટેશન રોડ, અંતરજાળ સહિત વિવિધ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટના સાડા નવ કિલોમીટર લાંબા માર્ગને સંપૂર્ણ સ્કેન કરી ૩૫૦ જેટલાં સીસીટીવી કેમેરાના કલાકો લાંબા ફૂટેજનો ૧૨૦૦ ગિગાબાઈટનો ડેટા કલેક્ટ કરી એનાલિસીસ શરૂ કર્યું હતું. જેમાં અંતે આ શખ્સ ગાંધીધામના અંતરજાળના જલારામનગરમાં રહેતો મૂળ જામજોધપુરના જામવાલી ગામનો વતની ૫૯ વર્ષિય રાજેન્દ્રકુમાર ઊર્ફે રાજુ નરસિંહભાઈ કાલરીયા (પટેલ) હોવાનું ફલિત થયું હતું.
પોલીસે રાજુની શોધખોળ કરતાં તે અમદાવાદના ગોતામાં આવેલાં તેના બીજા ઘરે નાસી ગયો હતો જ્યાંથી પોલીસે તેને દબોચી લઈ પૂછતાછ કરતાં યશના અપહરણ અને હત્યા કેસનો ભેદ કબૂલ્યો છે.
પોલીસ પૂછતાછમાં સ્પષ્ટ થયું છે કે રાજુ પાંચ વર્ષ અગાઉ ટ્રાન્સપોર્ટર તરીકે કામ કરતો હતો. રાજુ ત્યારે અંજારના વરસામેડીની બાગેશ્રી સોસાયટી- ૦૫માં રહેતો હતો. તે સમયે યશ અને તેનો પરિવાર પણ તે સોસાયટીમાં તેની પડોશમાં રહેતા હતા. બંને પરિવાર વચ્ચે સારાં સંબંધો હતા અને યશનો પરિવાર આર્થિક રીતે સમૃધ્ધ હોવાનું રાજુ જાણતો હતો.
દરમિયાન, રાજુને ધંધામાં મોટી આર્થિક નુકસાની થતાં સિંધુબાગમાં આવેલું ૧.૧૮ કરોડનું મકાન વેંચવાની નોબત આવી ગઈ હતી.
રાજુએ તેના પરિવારને અમદાવાદ રહેવા મોકલી દીધો હતો અને પોતે અંતરજાળમાં એકલો રહી સીટ કવર, સોફા કવર રીપેરીંગનું કામ શરૂ કરી દીધું હતું.
પાંચ વર્ષ અગાઉ તેણે યશનું અપહરણ અને ખૂન કરી ખંડણી વસૂલવા મનમાં પ્લાન બનાવ્યો હતો અને તેની અમલવારી માટે રાજુએ આજથી પાંચ વર્ષ અગાઉ ડમી સીમકાર્ડ અને સાદો કીપેડ વાળો મોબાઈલ ફોન ખરીદ્યો હતો. યશ તોમરના અપહરણના ગુનામાં સીમકાર્ડ વાપરવાનું હોઈ પાંચ વર્ષમાં તેણે આ સીમકાર્ડ પરથી ક્યારેય કોઈની સાથે વાત કરી નહોતી. યશના અપહરણ અને ખૂનમાં પોતે ના પકડાય તે માટે તેણે સીસીટીવી કેમેરાથી લઈ નાની નાની અનેક બાબતોનું ધ્યાન રાખ્યું હતું. અંતે તેણે ગુનાને અંજામ આપવાનો નિર્ધાર કર્યો હતો અને યશના આવવા જવાના માર્ગની રેકી કરવાનું શરૂ કર્યું હતું.
રાજુએ અપહરણ કરી હત્યા કરી દાટી દેવાના પ્લાન માટે તેણે દોઢેક મહિના અગાઉ મજૂરો બોલાવી ખાડો ખોદાવ્યો હતો. તે સમયે તેણે મજૂરોને મોબાઈલ ટાવર નાખવા માટે ખાડો ખોદાવતો હોવાનું જણાવ્યું હતું.
૬ઠ્ઠી નવેમ્બરે યશ કોલેજ જવા નીકળ્યો ત્યારે રાજુએ તેના ઘર નજીક રોડ પર તેને અટકાવ્યો હતો. પોતાનું એક્ટિવા ખરાબ થઈ ગયું હોવાનું જણાવી તેણે યશને પોતાના ધંધાની સાઈટ પર મૂકી જવાનું કહી લિફ્ટ લીધી હતી. ઘટના સમયે તેણે રાજુએ પોતાનો મોબાઈલ ફોન સાથે રાખ્યો નહોતો. યશને બાવળની ઝાડીમાં લઈ જવાયો તે સમયે રાજુએ અગાઉથી ત્યાં પોતાના અન્ય સાગરીત કિશન માવજીભાઈ સીંચ (ઉ.વ. ૪૦, રહે. વાવાઝોડા કેમ્પ ઝૂંપડા, ગાંધીધામ)ને હાજર રાખ્યો હતો. કિશન ૨૦૧૨માં રાજુના ઘેર કલરકામ કરવા આવેલો ત્યારથી તેના પરિચયમાં આવ્યો હતો. અપરિણીત કિશન રૂપિયા મળવાની લાલચે ગુનામાં સામેલ થયો હતો. યશને ઝાડીમાં લઈ જવાયાં બાદ બંને જણે તેના માથામાં પાઈપના ફટકા મારતાં પ્રહારથી યશ ચક્કર ખાઈને નીચે પડ્યો હતો. તરફડિયા મારતાં યશની હત્યા કરવા તેમણે ગળામાં દોરડું બાંધી ટૂંપો આપીને ખાડામાં નાખ્યો હતો. મૃત યશને ખાડામાં દાટીને રાજુ અને કિશન ફરાર થઈ ગયાં હતાં અને તેના સ્કૂટરને સગેવગે કરી દીધું હતું.
યશની હત્યા કરી દાટી દીધો પરંતુ રાજુના પરિવાર પાસેથી પૈસા પડાવવાનો મૂળ ઉદ્દેશ્ય બર ન આવતાં તેણે સાંજે યશની માતાને ફોન કરી ૧૧ નવેમ્બરે મુંબઈ આવી પૈસા આપી જવા જણાવ્યું હતું.
પોલીસે ઉમેર્યું હતું કે, રાજુ અગાઉ ધંધાર્થે મુંબઈમાં પણ રહી ચૂક્યો છે. જેથી તેણે સ્થાનિક પોલીસથી બચવા ખંડણીના નાણાં મુંબઈમાં મેળવવા નક્કી કર્યું હતું.
દરમ્યાન, ગત ૧૧મી નવેમ્બરે પોલીસે ખાડામાં દટાયેલી યશની સડી ગયેલી લાશ બહાર કાઢતાં જ રાજુને પોલીસ પોતાના સુધી પહોંચી જશે તેવો ડર લાગતાં તે જ દિવસે સાંજે તે અમદાવાદ તેની પત્ની-પુત્રીઓના ઘેર જતો રહ્યો હતો.
આ ગુનામાં સૌથી મહત્વની કડી બની યશે મરતાં પૂર્વે ફસ ગયા લખીને શૅર કરેલી ચાર સેકન્ડની વીડિયો ક્લિપ. પોલીસે જણાવ્યું હતું કે રાજુ યશને ખોટું બહાનું બતાવી ઝાડીમાં લઈ આવ્યો હતો. યશના માથામાં પાછળથી પાઈપ મારવા માટે તે મોકો શોધતો હતો તે સમયે તે યશની નજરથી ઓઝલ થયેલો. ત્યારે યશને જાણે પોતાના માથે ભમી રહેલાં કાળનો કુદરતી સંકેત મળી ગયો હતો. તેણે તુરંત મોબાઈલ કાઢીને વીડિયો ક્લિપ શૅર કરી દીધી હતી. આ વીડિયો ક્લિપ અને રાજુએ પોલીસને ગુમરાહ કરવા બદલેલાં કપડાંની કડી આ ગુનાને ઉકેલવા ખૂબ ચાવીરૂપ સાબિત થઈ છે.
યશની હત્યા બાદ તેનું વાહન ક્યાં છૂપાવાયું, ગુનામાં અન્ય કોઈ આરોપીઓ સામેલ છે કે કેમ સહિત કેટલાંક મહત્વના પૂરાવા અને તપાસ બાકી છે. અપહરણ હત્યાના ગુનાને કેવી રીતે અંજામ આપ્યો તે સચોટ રીતે સ્પષ્ટ કરવા પોલીસ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરે તેવી પણ શક્યતા હાલ જોવાઈ રહી છે.