વ્હાઇટ ક્રિસમસની થીમ વચ્ચે કચ્છના નભમંડળમાં ‘જેમીનીડસ’ ઉલ્કાવર્ષાનો આનંદ માણી શકાશે
ભુજઃ એક તરફ નાતાલ નજીક આવી ચુકી છે અને ઠેર-ઠેર બરફવર્ષાથી ‘વ્હાઇટ ક્રિસમસ’ની થીમ તૈયાર થઇ ચુકી છે ત્યારે સાન્ટા ક્લોઝને વધાવવા નભમંડળમાં ‘જેમીનીડસ’ ઉલ્કાવર્ષાનો નઝારો ધીમે-ધીમે રંગ પકડી રહ્યો છે. કચ્છમાં ચાલી રહેલા રણોત્સવમાં જે પ્રવાસીઓ રણ રિસોર્ટમાં રાત્રી રોકાણ કરી રહ્યા છે, તેમને આ ઉલ્કાવર્ષા જોવાનો અભૂતપૂર્વ લ્હાવો મળ્યો છે અને ગત તારીખ ૧૩થી ૧૬ દરમિયાન અંદાજે ૬૦ જેટલી ઉલ્કાવર્ષા તેઓ સ્પષ્ટપણે જોઈ શક્યા હતા. આ પ્રકારની ઉલ્કાવર્ષા જીવનમાં પહેલીવાર જોવા મળી છે. અમે તેને નરી આંખે જોઈ અને તે પીળા રંગની ઝળહળતી જોવા મળી હતી તેમ રણ વિસ્તારમાં ફરી રહેલા પ્રવાસીઓએ જણાવ્યું હતું.
ઉત્તર દિશામાં રાત્રીના દસ કલાકથી આ ઉલ્કાવર્ષા શરૂ થાય છે જે આગામી પાંચ દિવસ સુધી હજુ જોઈ શકાશે. આ અદભુત જેમીનીડસ ઉલ્કાવર્ષાથી રાત્રી આકાશ ઝળહળી ઉઠે છે અને તેમાં પણ આ વખતની ઉલ્કાવર્ષાને ‘ઉલ્કા તોફાન’ સાથે સરખાવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, જેમીનીડસ ઉલ્કાવર્ષા ૧૭મી સદીની મધ્યમાં પ્રથમવાર જોવા મળી હતી, પણ એ સમયે કલાકની ૧૦થી ૨૦ ઉલ્કાઓ જોવા મળી હતી પણ હવે પ્રતિ કલાકે ૧૨૦ની સંખ્યામાં જોવા મળે છે. તેમાં પીળો રંગ પણ દેખાય છે. આ ઉલ્કાવર્ષા આમ તો રાત્રીના નવ વાગ્યાથી શરૂ થઇ જાય છે. નવી પેઢીએ આ ઉલ્કાવર્ષા જોવી જ જોઈએ.
Also read: કૉઈન્સ ઓફ કચ્છઃ વોટર કલરથી કંડારાયેલાં કચ્છી દોકડાના ચિત્રએ આકર્ષણ જમાવ્યું
આ વખતે આનંદની વાત એ છે કે જે લોકો ૧૩મી ડિસેમ્બરથી શરૂ કરીને ૧૭મી ડિસેમ્બર સુધીના સમયગાળા દરમિયાન આ ઉલ્કાવર્ષા જોવાથી વંચિત રહ્યા હોય તેમને માટે આગામી શનિ-રવિવાર દરમિયાન ફરીથી ઉલ્કાવર્ષા જોઈ શકવાના ઉજળા સંજોગો ઉભા થયા છે તેથી આગામી ૨૧મી તારીખે ઉલકાવર્ષા નિહાળવાનો આનંદ લઈ શકાશે. મોટાભાગની ઉલ્કાવર્ષા એ ધૂમકેતુનો કાટમાળ છે. એકમાત્ર જેમીનીડસ એ સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરતા ‘ઉલ્કાપિંડ ૩૨૦૦-ફેઇથોન’નો કાટમાળ છે.