વરસાદના વિરામે કચ્છીઓની ચિંતા વધારી, ડેમમાં પાણીના સ્તર ઘટ્યા

ભુજ: સૌરાષ્ટ્ર–કચ્છ પર એકધારા વરસેલા અતિભારે વરસાદથી કચ્છના ઘણા નાના-મોટા ડેમ, તળાવો છલકાઈ ગયાં હતાં જો કે ગત જુલાઈના અંતિમ સપ્તાહથી સંભવિત ઉભી થયેલી ‘અલનીનો ઈફેક્ટ’ના લીધે મોન્સૂન ટ્રેક નબળો પડી જતાં મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાવવાની સાથે જ આ રણપ્રદેશના મધ્યમ સિંચાઈના ડેમોમાં સંગ્રહિત પાણીનો જથ્થો ઝડપભેર ઘટવા લાગ્યો છે.
જાણકારોનું માનીએ તો વરસાદી ગતિવિધિ મંદ પડતાં પાણીના જથ્થામાં ઘટાડો થવો એ એક સામાન્ય પ્રક્રિયા છે. પણ વરસાદનો વિરામનો ગાળો હજુ લંબાય તો ઘટાડાનો આ દોર અવિરત જારી રહી શકે છે.
દરમ્યાન, ધીમી પડી ગયેલી વરસાદી ગતિવિધિ વચ્ચે કચ્છમાં પવનોની ગતિ થોડી શાંત થવા સાથે વાતાવરણ શુષ્ક બનવાની સાથે ઉકળાટ યથાવત રહેવા પામ્યો છે. જિલ્લા મથક ભુજ સહિતના વિસ્તારોમાં મહત્તમ ઉષ્ણતામાનનો આંક થોડો ઉપર આવવાની સાથે કંડલા એરપોર્ટ ૩૪ ડિગ્રી તાપમાને રાજ્યના ગરમ મથકોમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.
આ પણ વાંચો : કચ્છમાં કરુણાંતિકા : ઘોડિયામાં સુતેલા એક વર્ષના બાળક પર થાંભલો પડતાં મોત
ભુજમાં 35, કંડલા પોર્ટમાં 33 જયારે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં 32 ડિગ્રી મહતમ સામે લઘુતમ પારો 25-26 ડિગ્રી વચ્ચે રહેતાં રાત્રીના અને વહેલી સવારે થોડી શિતળતા વર્તાઈ હતી. રાહતની બાબત એ છે કે બંગાળની ખાડીમાં એક હવાનું હળવું દબાણ સર્જાઈ રહયું છે જેની અસરથી મંદ પડેલું નૈઋત્ય ચોમાસુ ફરી વેગ પકડે તેવી પ્રબળ શકયતા હવામાન નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.