Kutch Rann Utsav bhupendra patel

3 દિવસના આયોજન સાથે શરૂ થયેલી ‘રણોત્સવ’ આજે ગ્લોબલ ઇવેન્ટ બનીઃ મુખ્યપ્રધાન…

ભુજઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સફેદ રણ ધોરડો ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કચ્છી કલા અને સંસ્કૃતિને રજૂ કરતી વિવિધ પ્રસ્તુતિઓને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નિહાળી હતી. આ પ્રસંગે મુખ્યપ્રધાને ઉપસ્થિત મહાનુભાવોની સાથે ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા “રણોત્સવ” થીમ આધારિત નવીન વિશેષ પોસ્ટલ કવરનું અનાવરણ કર્યું હતું.

અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ એવા શ્રી સરદાર પટેલની પુણ્યતિથિએ તેમને વંદન કરતા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, જેવી રીતે સરદાર સાહેબે દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારત બનાવ્યું તેવી જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જ પદ ચિહ્નો પર ચાલીને “એક ભારત શ્રેષ્ઠ ભારતનું” નિર્માણ કર્યું છે. આ માટે તેમણે દેશના તમામ રાજ્યોની ભાષા, સંસ્કૃતિ અને પ્રવાસનને મહત્વ આપ્યું છે. રણની સંસ્કૃતિ અને પ્રવાસનને ઉજાગર કરતો આજનો આ રણોત્સવ પણ “એક ભારત શ્રેષ્ઠ ભારત”ને સાકાર કરવાનો જ અવસર છે.

આ પણ વાંચો : માત્ર સુરખાબ જ નહીં, આ રૂપકડાં પક્ષીઓ પણ બન્યા છે કચ્છના મહેમાન

ગુજરાત રાજ્ય મહારાષ્ટ્રથી અલગ થયું ત્યારે લોકો કહેતા કે માત્ર દરિયો, રણ, ડુંગર ધરાવતું ગુજરાત શું વિકાસ કરવાનું હતું. દાયકાઓ સુધી રાજ્યના વિકાસની ગતિવિધિઓ વાપીથી તાપીના પટ્ટા સુધી જ સીમિત રહી હતી. વીજળી, પાણી, રોડ-રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રકચર એવા મોટાભાગના ક્ષેત્રોમાં વિકાસ જે ગતિએ થવો જોઈએ અને જેટલો થવો જોઈએ તેટલો થયો હતો નહિ પરંતુ ગુજરાતને વિઝનરી લીડર નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે મળ્યા અને તેમણે ગુજરાતના વિકાસને વૈશ્વિક સ્તરનો બનાવવાની નેમ લીધી. કચ્છને ભૂકંપની તારાજીમાંથી બેઠું કરવાનો મોટો પડકાર તેમણે ઝીલ્યો અને એ આફતને અવસરમાં કેવી રીતે પલટાવી તે દેશ અને દુનિયાએ જોયું.

જળશક્તિ સાથે જનશક્તિને જોડીને બેસ્ટ વોટર મેનેજમેન્ટ સાથે કેનાલ અને પાઈપલાઈનના વિશાળ નેટવર્કથી મા નર્મદાના નીર કચ્છના છેવાડાના મોડકૂબા ગામ સુધી પહોચ્યાં છે તેમ મુખ્યપ્રધાનએ ઉમેર્યું હતું. રેગિસ્તાનની આ ભૂમિમાં સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ કરીને ૩૦ ગીગીવોટનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક વડાપ્રધાનના વિઝનથી આકાર લઈ રહ્યો છે.‌

રણોત્સવ બની ગ્લોબલ ઈવેન્ટ

કચ્છના વિકાસ માટે તત્કાલીન મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના વિઝનની વાત કરતા મુખ્યપ્રધાને જણાવ્યું કે વર્ષ ૨૦૦૫માં નરેન્દ્ર મોદીએ ફક્ત ત્રણ દિવસના આયોજન સાથે કચ્છના રણમાં ‘રણોત્સવ’ની શરૂઆત કરાવી, જે આજે ગ્લોબલ ઇવેન્ટ બની ગઈ છે. એક સમયે જે રણની ઓળખ ઉજ્જ્ડ જમીન તરીકેની હતી, તે સ્થળે આજે રણોત્સવ ઉજવાય છે. વડાપ્રધાનના વિઝનથી આજે કચ્છનું રણ રણોત્સવથી વિશ્વ પ્રવાસનનું તોરણ બન્યું છે. યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરડોને “બેસ્ટ ટુરિઝમ વિલેજ”નો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.

સ્થાનિક લોકો માટે આવકનો નોંધપાત્ર સ્ત્રોત ઊભો થયોઃ મુખ્યપ્રધાન

કચ્છ રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને તો વેગ મળ્યો જ છે, સાથે અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું માધ્યમ પણ બન્યો છે. રણોત્સવની મુલાકાતે આવતા લાખો સહેલાણીઓના કારણે સ્થાનિક લોકો, ખાસ કરીને હસ્તકલા ક્ષેત્રના લોકો માટે આવકનો નોંધપાત્ર સ્ત્રોત ઊભો થયો છે અને પરંપરાગત કલાકૃતિઓને વૈશ્વિક બજાર મળ્યું છે.

અહીનું ક્રાફ્ટ બજાર ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. વર્ષ ૨૦૦૧ના ભૂકંપના મૃતકોની સ્મૃતિમાં બનેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના ત્રણ સૌથી સુંદર મ્યુઝિયમમાં આ વર્ષે સ્થાન મળ્યું છે. કચ્છને વૈશ્વિક સ્તરે મળેલા આ સન્માનથી ગુજરાતની ગૌરવ ગાથામાં વધુ એક સીમાચિહ્ન અંકિત થયું છે તેમ મુખ્યપ્રધાને જણાવ્યું હતું.

Back to top button