આપણું ગુજરાતભુજ

કચ્છમાં સામાન્ય વરસાદ: હમીરસર તળાવ છલકાવવાને આરે, વધાવવા તૈયાર રહેજો!

ભુજઃ સૌરાષ્ટ્રકચ્છ પર પહોંચી ગયેલી વરસાદી સિસ્ટમની અસર હેઠળ આજે પણ કચ્છમાં નોંધપાત્ર વરસાદ થવા પામ્યો છે અને ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ ઓગનવામાં હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને આજે મધ્યરાત્રિ સુધી આ તળાવ ઓગની જવાની પૂરેપૂરી સંભાવના છે.

દરમિયાન આજે પણ કચ્છમાં દિવસભર સમયાંતરે અડધાથી ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છના લખપત તાલુકામાં ૬૨ મિ.મિ, બંદરીય શહેર મુંદરા ખાતે ૧૩ મિ.મિ, ભચાઉ ખાતે ૩૫ મિ.મિ, અબડાસા ૫૪,માંડવી ૪૨, અંજાર ૪૭ મિ.મિ, નખત્રાણા ૫૫ મિ.મિ, ગાંધીધામ ૨૭ મિ.મિ અને ભુજ ખાતે ૩૧ મિ.મિ જેટલો વરસાદ નોંધાયો છે.
આજે દિવસભર વરસાદમાં એકંદરે રાહત મળતાં જનજીવન ધબકતું થવા પામ્યું છે. ખાસ કરીને છેલ્લા બે દિવસમાં ૧૬થી ૨૦ ઇંચ વરસાદની માર ખમી ચૂકેલા બંદરીય શહેરો મુંદરા અને માંડવી ખાતે આજે સામાન્ય વરસાદ થવા પામતાં આજે લોકોને રાહત થવા પામી હતી અને બજારમાં દુકાનો ખુલવા પામી હતી અને લોકો જીવન-જરૃરિયાત ચીજ વસ્તુઓની ખરીદી કરી શક્યા હતા.

દરમિયાન હવામાન ખાતાની આગાહી મુજબ હવે આ વરસાદી સિસ્ટમ કચ્છ સુધી પહોંચી આવી છે પણ તે પાકિસ્તાન તરફ ફંટાઈ જતાં કચ્છ પરની આફત આંશિક રીતે હળવી થઇ જવા પામી છે.

આ પણ વાંચો : મેઘરાજા હવે તો ખમૈયા કરોઃ સૌરાષ્ટ્રમાં ફરી જળબંબાકાર, કચ્છ પણ પાણી પાણી

કચ્છમાં આજે પણ વહેલી સવારના ઝાપટાં બાદ વરસાદે પોરો ખાતાં ભુજ સહીત કચ્છના મુંદરા, માંડવી, ગાંધીધામ,અંજાર, નલિયા, રાપર સહિતના શહેરોના લોકો બજારો તરફ દોડ્યા હતા અને જીવન-જરૂરિયાતની ચીજ-વસ્તુઓની ખરીદી કરી હતી.

અહીં એ જણાવવાનું કે ભુજના હૃદય સમાન હમીરસર તળાવ છલકાતા પરંપરાગત રીતે વરસાદી નીરના વધામણા કરવામાં આવે છે. રાજાશાહીના સમયમાં હમીરસર તળાવ છલકાય ત્યારે રાજા દ્વારા તળાવને વધાવવામાં આવતા. આઝાદી પછી પણ એ પરંપરા ચાલુ રહી હતી, જ્યારે આવતીકાલે પણ આ તળાવ છલકાશે ત્યારે પાલિકા સહિત શહેરવાસીઓ વાજગેગાજતે વધાવશે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button