કચ્છમાં વ્યાપક બનેલા ગન કલ્ચર પર લગામ કસવા પોલીસે શરૂ કર્યુ અભિયાન

ભુજઃ સરહદી જિલ્લા કચ્છમાં પાછલા કેટલાક વર્ષોમાં અમેરિકાની જેમ વધેલાં કાયદેસર અને ગેરકાયેદે એવા ગન કલ્ચર પર લગામ કસવા માટે કચ્છ પોલીસે હવે નવા બંદૂક પરવાના અને રીન્યૂઅલની કામગીરીને વધારે કડક બનાવી છે.
આ ખાસ અભિયાન અંતર્ગત પાક રક્ષણ માટે બંદૂકના પરવાના મેળવનારાં શિકારપુરના ૯ વ્યક્તિઓના પરવાના રીન્યૂ ન કરાતા રદ્દ કરી દેવાયાં છે. સામાન્ય રીતે સ્વ-રક્ષણ અને પાક રક્ષણ હેતુ બંદૂક લાયસન્સ ઈસ્યુ થતાં હોય છે.
પાક રક્ષણ હેઠળ લાયસન્સ મેળવનારાં શિકારપુરના ૯ જણે લાયસન્સ રીન્યુ કરવા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને અરજી કરી હતી. સરકારી નિયમ પ્રમાણે એસડીએમએ રીન્યુઅલ માટે પોલીસ સ્ટેશન અધિકારીનો અભિપ્રાય માંગ્યો હતો.
સામખિયાળીના સિનિયર પોલીસ સબ ઈન્સ્પેક્ટર વી.આર.પટેલે લાયસન્સ રીન્યૂઅલ માટે અરજી કરનારાં લોકોના ગુનાહિત ભૂતકાળ સહિતના મુદ્દે ઝીણવટભરી તપાસ કરીને લાયસન્સ રીન્યુ ના કરવા અભિપ્રાય આપતાં નવ શખ્સોના લાયસન્સ રદ્દ કરી દેવામાં આવ્યાં છે.
કેટલાંક અરજદારો મોટી ઊંમરના હોઈ હથિયાર સાચવણી માટે સક્ષમ જણાયાં નહોતાં. એ જ રીતે, અમુક લોકો એક જ પરિવારના સદસ્યો હતા. ભવિષ્યમાં કોઈ ગંભીર ગુના ના બને તે હેતુથી લાયસન્સ રીન્યુ ન કરતા રદ કરી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વેરના વળામણાં માટે જાણીતાં વાગડ પંથકમાં અને ખાસ કરીને શિકારપુર ગામમાં છેલ્લાં પાંચ વર્ષના ટૂંકા સમયગાળામાં મારામારી તેમજ ધમકી આપવાના ૩૪ ગુના, હત્યાનો ૧ અને હત્યાના પ્રયાસના ૩ તથા આર્મ્સ એક્ટના ભંગના ૫ ગુનાઓ નોંધાયેલાં છે.
Also Read –