Kutch માં પોલીસકર્મીએ પાણીમાં ફસાયેલા પાંચ લોકોને બચાવી સરાહનીય કામીગીરી કરી
ભુજ : ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદ અને અનેક જિલ્લામાં પૂરની સ્થિતિ વચ્ચે એનડીઆરએફ અને સ્થાનિક પોલીસ તથા વહીવટીતંત્ર બચાવ અને રાહત કામગીરીમાં જોડાયા છે. જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કચ્છ (Kutch) પોલીસકર્મીના વરસાદના ભરાયેલા પાણીમાંથી બચાવ કામગીરીનો સરાહનીય વિડીયો ટ્વિટ કરીને તેમના વખાણ કર્યા છે. જેમાં કચ્છના મુન્દ્રામાં ફરજ બજાવતા પીએસઆઈએ પાણીની વચ્ચે ફસાયેલા પાંચ વ્યકિતઓના જીવ બચાવ્યા હતા.
જીવના જોખમે પાંચ લોકોને બચાવ્યા
છેલ્લા 24 કચ્છના અંજારમાં સાડા ત્રણ ઇંચ, મુન્દ્રામાં સવા છ ઇંચ અને માંડવીમાં સવા છ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે મુન્દ્રા તાલુકાના લુણી ગામમાં કચ્છ પોલીસે લોકોને સલામત રીતે બહાર નિકાળવાની સરાહનીય કામગીરી કરી હતી. જેમાં મુંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ નિર્મલસિંહે જીવના જોખમે પાંચ લોકોને બચાવ્યા હતા.
આ પણ વાંચો : ગાંધીધામ સંકુલમાં વીજશોક લાગવાના જુદા-જુદા બનાવોમાં બે મોતથી અરેરાટી
ડિઝાસ્ટર મેનેજમેન્ટના કંટ્રોલ રૂમમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગત મધરાત્રિથી લઈ આજે રાત્રિના 8 વાગ્યા સુધીમાં માંડવી અને મુંદરામાં સરેરાશ 9 ઈંચ વરસાદ ખાબક્યો છે.મુન્દ્રામાં મધરાત્રિથી સવારના 6 સુધીમાં 101 મિ.મી. અને સવારના 6 થી રાત્રિના 8 સુધીમાં 122 મિ.મી.મળી 223 મિ.મી. વરસાદ નોંધાયો હતો.
પશ્ચિમ કરછના છ ડેમ ઓવરફલો
પશ્ચિમ કરછમાં મધ્યમ સિંચાઈના 6 ડેમો પણ ઓવરફ્લો થઈ ગયાં છે જ્યારે એક ડેમ ભરાવાના આરે છે. અબડાસાનો કંકાવટી, બેરાચિયા અને મીઠી ડેમ ઓવરફ્લો થઈ જતાં આ ડેમોના પાણી પર નભતાં અનેક ગામોના પીવાના પાણી તથા સિંચાઈનો પ્રશ્ન એકઝાટકે હલ થઈ ગયો છે. એ જ રીતે, લખપતનો ગજણસર, મુન્દ્રાનો કારાઘોઘા, માંડવીનો ડોણ ડેમ પણ ઓવરફ્લો થઈ ગયાં છે. નખત્રાણાનો મથલ ડેમ 95 ટકા ભરાઈ ચૂક્યો છે.