કચ્છમાં અપમૃત્યુના વિવિધ બનાવોમાં 5 વર્ષની બાળકી સહિત પાંચ લોકોનાં મોત…
ભુજઃ કચ્છમાં આપઘાત-અકસ્માતની બનેલી જુદી-જુદી દુર્ઘટનાઓમાં એક પાંચ વર્ષના માસુમ બાળક સહિત લોકોએ જીવન ટૂંકાવ્યું હતું. બંદરીય માંડવી તાલુકાના મોટી રાયણ ખાતે ટ્રકની અડફેટમાં આવી ગયેલા ઉમર જુણેજા નામના પ્રૌઢનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, ગાંધીધામના ખારીરોહર નજીક અજાણ્યા વાહને મોટરસાઈકલને અડફેટમાં લેતાં ઇમરાન હારૂન જંગિયા નામના ૨૬ વર્ષના યુવાનને જીવ ખોવાનો વારો આવ્યો હતો. ભચાઉ નજીક દ્વિચક્રી વાહન સ્લીપ થઇ જતાં ઇજા પામેલા રાજા હરિશ્ચંદ્ર રામજનક કુશવાહા નામના ૨૫ વર્ષના યુવાને સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
આ પણ વાંચો : રાપરના કાનમેર ગામના 8 મંદિરોમાંથી ચોરી: શ્રદ્ધાળુઓમાં રોષ
ભચાઉમાં એક કારખાનાંમાં પાણીના ટાંકામાં ડૂબી જતાં ધનીશા મુકેશ વસુનિયા નામની પાંચ વર્ષની શ્રમિક પરિવારની બાળકીનું ડૂબી જવાથી મોત થયું હતું, જ્યારે મુંદરામાં ૩૪ વર્ષીય નિખિલ પરેશ જોશીએ ગળાફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો.
ડેરીમાં દૂધ ભરાવવા જતાં સાઇકલ સવારને ટ્રકે ટક્કર મારી
આ અંગે પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મોટી રાયણ ખાતે રહેતા પ્રૌઢ તેમની સાઈકલથી દૂધ ભરાવવા ડેરી તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી પૂરપાટ વેગે ધસી આવેલી ટ્રક (નં. જી.જે. -૧૨-સી.ટી.-૫૧૪૮)એ સાઈકલને ટક્કર મારી દેતાં પ્રૌઢનું ગંભીર ઈજાઓના પગલે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
બીજી તરફ, ખારીરોહર નજીક વળાંક પાસે ગત ૧૦મી નવેમ્બરના રોજ ઇમરાન નામનો યુવાન કંડલાથી ખારીરોહર તરફ તેના મોટરસાઇકલ પર જઈ રહ્યો હતો ત્યારે કોઇ અજાણ્યા વાહને તેના વાહનને ટક્કર મારી દેતાં નીચે પટકાયેલા યુવાન પરથી ભારે વાહન ફરી વળતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
વધુ એક જીવલેણ માર્ગ અકસ્માતનો બનાવ ભચાઉના ચોપડવા પાસે સર્જાયો હતો. જેમાં અંકુર રિફાઇનરીમાં કામ કરનાર ગણેશ મીઠાલાલ રંજાણી (મેઘવાળ) તથા રાજા હરિશ્ચંદ્ર રામજનક કુશવાહા મોટરસાઇકલ પર ગેસનું સિલિન્ડર રીફીલ કરાવીને ભચાઉથી પરત આવી રહ્યા હતા ત્યારે તેમનું વાહન સ્લીપ થઇ જતાં બંનેને ઇજાઓ પહોંચી હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા રાજા હરિશ્ચંદ્ર રામજનક કુશવાહાનું સારવાર દરમિયાન મોત થયું હતું.
ભૂગર્ભ પાણીના ટાંકીમાં ડૂબી જવાથી 5 વર્ષની બાળકીનું મોત
અપમૃત્યુનો વધુ એક કરુણ બનાવ ભચાઉના વાદી નગરમાં આવેલા કારખાનાંમાં બનવા પામ્યો હતો. જેમાં અહીં કમ્પાઉન્ડમાં રમત રમી રહેલી ધનીશા નામની બાળકી અકસ્માતે ભૂગર્ભ પાણીના ટાંકામાં પડી જતાં ડૂબી જવાથી મોત થયું હતું.
આ પણ વાંચો : ગોધરાના કોમન પ્લોટમાંથી મળ્યાં નવજાત જોડિયા બાળક, સ્થાનિકોમાં રોષની લાગણી
માનસિક તણાવમાં યુવાને ગળાફાંસો ખાધો
મુંદ્રા પોલીસ મથકમાં સૂરજ પરેશ જોશીએ જાહેર કરેલી વિગતો મુજબ તેના સગા મોટા ભાઇ નિખિલ અને તેની પત્નીનો છૂટાછેડાનો કેસ ચાલુમાં હોવાથી સંભવિત માનસિક તણાવમાં અગમ્ય કારણે પોતાના ઘરે પંખામાં ચૂંદડી બાંધીને ગળાફાંસો ખાઇ લેતાં મોત થયું હતું.