કચ્છ નહીં દેખા તો ક્યા દેખાઃ કરાવો બુકિંગ, રણોત્સવની આવી ગઈ છે તારીખ…
ભુજઃ સરહદી કચ્છને પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક ઓળખ અપાવનારા રણોત્સવની તારીખ જાહેર થઈ ગઈ છે. આગામી ૧૧ નવેમ્બરથી ભાતીગળ બન્ની પ્રદેશના ધોરડો ખાતેથી રણોત્સવ શરૂ થનાર છે. આ માટેની તડામાર તૈયારી ચાલી રહી છે.
આ પણ વાંચો : રાપરના ગેડી નજીક કેનાલમાં એક સગીર સહીત ચાર ડૂબ્યા, બેના મોત
કચ્છ પ્રદેશની ઇકોલોજીકલ અને સાંસ્કૃતિક વિવિધતાને હાઇલાઇટ કરનારા આ રણોત્સવમાં આવનારા પ્રવાસીઓ માટે ૪૦૦થી વધુ વૈભવી તંબુઓ બનાવવામાં આવ્યા છે.
આ અંગે ઇવોક એક્સપિરિયન્સના કર્તાધર્તા ભાવિક શેઠે વાત કરતાં જણાવ્યું હતું કે, કચ્છની કળા, હસ્તકલા, સંગીત, નૃત્ય અને સ્થાનિક પરંપરાઓને ઉજવનારા આગામી ૧૫મી માર્ચ, ૨૦૨૫ સુધી ચાલનારા આ રણોત્સવમાં ઇવોક એક્સપિરિયન્સ માત્ર ધ ટેન્ટ સિટી જ નહીં પરંતુ બજાર અને મનોરંજન સેવાઓનું પણ આગામી સાત વર્ષ સુધી સંચાલન કરશે.
વર્ષ ૨૦૦૫માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલા આ રણોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ પરંપરાગત પ્રવૃત્તિઓ દ્વારા કચ્છના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક ફલક પર પ્રદર્શિત કરવાનો છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, કચ્છ અને ગુજરાત સહિત વિશ્વભરના પ્રવાસીઓ રણોત્સવની ટેન્ટ સિટીમાં અગાઉથી જ બુકીંગ કરવાનું શરૂ કરી દેતા હોય છે. કચ્છનો અમૂલ્ય વારસો અને વૈશ્વિક ધરોહર વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરાથી કચ્છના સફેદ રણ સુધી રસ્તો બની જતા હવે પ્રવાસીઓ ”રોડ ટુ હેવન” મારફતે સફેદ રણની પણ મજા માણે છે.
દર વર્ષે રણોત્સવમાં નવા નવા આકર્ષણના કેન્દ્રો ઊભા કરવામાં આવે છે. આ સિવાય દર વર્ષે અતુલ્ય ભારત, રણ કે રંગ , રણ કી કહાનીયા વગેરે જેવી થીમ પણ રાખવામાં આવતી હોય છે.