શિક્ષણજગતને અભડાવે તેવી ઘટના કચ્છમાંઃ વિદ્યાર્થિનીની તો કાચી ઉંમર, પણ શિક્ષકની સમજદારી ક્યાં
ભુજઃ 16 થી 17 વર્ષની ઉંમર દરેક કિશોરો માટે બહુ નાજૂક હોય છે. આ ઉંમરે વિજાતીય આકર્ષણ થાય તે સ્વાભાવિક છે. ખાસ કરીને અભ્યાસ માટે જતા છોકરાઓ એકબીજા પ્રત્યે આકર્ષાઈ છે અને તેના કરતા વધારે તે પોતાના સર કે ટીચર પ્રત્યે પણ આકર્ષણ થાય છે, તે સમયે શિક્ષકોની જવાબદારી હોય છે કે તેઓ સમજદારીથી કામ લે અને પોતે સંયમ જાળવી વિદ્યાર્થીને પણ સાચા રસ્તે વાળે. પણ કચ્છમાં આનાથી વિપરીત થયું છે. અહીં પરિણિત શિક્ષક સગીર વયની વિદ્યાર્થીની સાથે પલાયન થઈ ગયો છે.
આ ઘટના અંજાર તાલુકાના મેઘપર બોરીચી ખાતેની આત્મીય વિદ્યાપીઠની છે. અહીંનો પરિણીત શિક્ષક તેના ટ્યુશનમાં આવતી ધોરણ ૧૧ કોમર્સમાં ભણતી ૧૭ વર્ષની કિશોરીને ભગાડી જતાં કચ્છ સહીત રાજ્યભરના શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે.
અત્યંત શરમજનક ઘટના અંગે અંજાર પોલીસે જણાવ્યું હતું કે, મેઘપર બોરીચીના ઘનશ્યામનગરમાં રહેનારો નિખિલ વાસુદેવ સેવકાની આત્મિય વિદ્યાપીઠમાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને ખાનગી ટ્યુશન ક્લાસ પણ ચલાવે છે. ગાંધી જયંતીના દિવસે તે પોતાના ટ્યુશનમાં ભણવા આવતી ધોરણ ૧૧માં ભણતી વિદ્યાર્થિનીને લલચાવી-ફોસલાવીને પોતાના ઘરેથી થોડા-ઘણા રૂપિયા અને ઘરેણાં લઈ ભગાડી ગયો હતો. સીસીટીવી તપાસતાં સ્પષ્ટ થયું હતું કે, ક્લાસિસથી નિખિલ છાત્રાને લઈને એક્ટિવા પર ભચાઉ ગયો હતો અને ત્યાંથી ટ્રેનમાં બેસીને છોકરીને લઈ કોઈ અજ્ઞાત સ્થળે ભાગી ગયો હતો. તેનો મોબાઈલ નંબર હાલ બંધ છે.
અત્યંત દુખની વાત તો એ છે કે આરોપી શિક્ષક નિખિલ સેવકાની જે દિવસે કિશોરીને ભગાડી ગયો તે જ દિવસે તે એક દીકરીનો પિતા બન્યો હતો અને તેની નવજાત બાળકીને આઈસીયુમાં દાખલ કરવામાં આવી હોવાનું અંજાર પોલીસે ઉમેર્યું હતું.
દરમિયાન કળિયુગી શિક્ષક જે કિશોરીને ભગાડીને લઈ ગયો છે તે મુસ્લિમ સમાજની દીકરી છે. મુસ્લિમ આગેવાન હાજી જુમા રાયમાએ પૂર્વ કચ્છ એસ.પીને આ મામલે રજૂઆત કરતાં જણાવ્યું છે કે પોલીસે ફરિયાદ દાખલ કરી છે, પણ તપાસ ધીમી ગતિએ ચાલી રહી છે.
આ ઘટનામાં આત્મીય વિદ્યાપીઠને પણ જવાબદાર ઠેરવતાં રાયમાએ સવાલ ઉઠાવ્યો છે કે ભોગ બનનાર દીકરી અહીં છઠ્ઠા ધોરણથી અભ્યાસ કરે છે. આવા લંપટ શિક્ષકો પર કેમ નજર રાખવામાં નથી આવી? વાલીઓ પોતાના સંતાનોને સારા શિક્ષણ અને સંસ્કાર માટે શાળાએ મોકલે છે ત્યારે આ બનાવ અતિ ગંભીર છે અને વહીવટી તંત્ર પોલીસ તંત્ર ઝડપથી અસરકારક તપાસ કરીને દીકરીને પાછી લઈ આવે તે જરૂરી છે.