આ તો પ્રેમ નથીઃ પ્રેમિકાની માતાનું કાસળ કાઢ્યું ને પછી પ્રેમીયુગલે પણ મોત વહોર્યું…
ભુજઃ પ્રેમ દરેક માટે ભલે અલગ અલગ હોય, પણ કોઈનો જીવ લેવો અને તે પણ સગી જનેતાને મોતને ઘાટ ઉતારવી પ્રેમ તો ન જ હોય. આવો એક કિસ્સો કચ્છમાં બન્યો છે જ્યાં પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાની માતાનો જીવ લેવાયો અને ત્યારબાદ પ્રેમીયુગલે પણ આપઘાત કર્યો છે.
આ પણ વાંચો : કચ્છમાં ફેલાયેલા અજાણ્યા રોગથી હાહાકાર, એક જ સમુદાયના 12ના જીવ ગયા, તંત્ર જાગ્યું
કચ્છના સીમાવર્તી રાપરના ફતેહગઢ ગામના સીમાડે ગત બુધવારની મોડી સાંજે કથિત રીતે સગીરાનું અપહરણ કરનારા શખ્સે સગીરાની માતાની તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરી છે. ગામના સીમાડેથી પ્રેમી પંખીડાના ઝાડ પર એક જ દુપટ્ટાથી સજોડે ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતાં મૃતદેહ મળી આવ્યાં છે. મૃતદેહોની સ્થિતિ પરથી બંને જણે બુધવારે સાંજે હત્યાના થોડાંક કલાકો બાદ આપઘાત કરી લીધો હોવાની સંભાવના છે.
ઘટના અંગે રાપર પીઆઈ જે.બી. બુબડીયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, માતા તેમની ૨૦ વર્ષની દીકરી શિલ્પા સાથે ફતેહગઢથી દળણું દળાવીને બુધવારે સાંજે ચારેક વાગ્યાના અરસામાં પરત ફરતાં હતા ત્યારે બંનેને રસ્તામાં અટકાવી શિલ્પાના પ્રેમી રવિ હિરા કોલીએ જમણીબેન પર છરીથી ઘાતક હુમલો કરી સ્થળ પર હત્યા કરી શિલ્પાને લઈ નાસી છૂટ્યો હતો.
આ પણ વાંચો : કચ્છજી નાગણ -જેસલ જાડેજાની જેમ નામ કમાવવા નીકળેલી રિચા પોલીસ પાંજરે
રવિ અને શિલ્પા અપરિણીત હતા. બંનેને એકમેક સાથે પ્રેમ હોઈ બે મહિના અગાઉ બંને પરિવારની જાણ બહાર નાસી ગયાં હતાં. તે સમયે પરિવારજનો નજીકના મોવાણાના સીમાડેથી બંનેને પકડી પરત લઈ આવ્યા હતા. રવિ સાથે શિલ્પાના લગ્ન મુદ્દે પરિવારની નામરજી હતી. થોડાંક સમય અગાઉ પરિવારે શિલ્પાની અન્ય યુવક સાથે સગાઈ કરતાં રવિ વ્યગ્ર બન્યો હતો અને નડતરૂપ માતાની હત્યા કરી નાખી હતી.
આ પણ વાંચો : કચ્છમાં ડ્રગ્સ પછી હેન્ડ ગ્રેનેડ- કંડલા SEZમાં ગ્રેનેડ મળતા મચી દોડધામ
આ પ્રેમી પંખીડાના મૃતદેહો વૃક્ષ પર એક જ કપડાં વડે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. સજોડે આત્મહત્યા કરી હોવાની શક્યતાના આધારે વધુ તપાસ હાથ ધરી હોવાનું બુબડીયાએ ઉમેર્યું હતું.
પુખ્યવયના યુવક-યુવતી પોતાની પસંદ અનુસાર લગ્ન કરી શકે છે અને આ હક ભારતીય બંધારણે વર્ષોથી આપ્યો છે, પરંતુ સમાજમાં અમુક રૂઢિવાદી નિયમો હજુ પણ પ્રેમ લગ્નોનો સ્વીકાર કરતા નથી. જોકે આ કિસ્સામાં આ યુગલ પોલીસની અને કોર્ટની મદદ લઈ શક્યું હોત. આ માટે માતાની હત્યા અને ત્યારબાદ પોતાનું જીવન પણ ટૂંકાવી નાખવું પ્રેમ નથી.