આપણું ગુજરાતભુજ

કચ્છના ઐતિહાસિક સ્થળોની જાળવણી કરનારા કર્મીઓને અચાનક કરાયા છૂટા

ભુજ: કચ્છમાં ઘણા પુરાતત્વ સ્થળો આવેલા છે, સાંસ્કૃતિક વારસાના આ સ્થળોને જોવા-જાણવા ખાસ્સા પ્રવાસીઓ પણ આવે છે. ત્યારે કચ્છના પાંચ જેટલાં ઐતિહાસિક સ્થળો પર વર્ષોથી ફરજ બજાવી રહેલા કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવાતાં કર્મીઓની આર્થિક સ્થિતિ બગડી છે અને આ ઐતિહાસિક ધરોહર સમા પુરાતત્વીય સ્થળો પર સાફ-સફાઇ, રખરખાવના અભાવે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

રાજધાની દિલ્હી સ્થિત મહાનિર્દેશકને કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે, કચ્છના ઐતિહાસિક સ્મારકો જેવા કે, રાવ લાખાની છતેડી, કોટાયનું શિવમંદિર, કુરન ખાતેની સાઈટ, સુર કોટડા અને વૈશ્વિક ધરોહર સમા પ્રાચીન નગર ધોળાવીરામાં લાંબા સમયથી ફરજ બજાવી રહેલા 30 જેટલા કર્મચારીઓને દીપોત્સવીના મહાપર્વના દિવસોમાં અચાનક છૂટા કરી દેવામાં આવતાં ગરીબ કર્મચારીઓના ઘરની આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ જતાં પ્રકાશના પર્વ વચ્ચે તેમના ઘરોમાં અંધકાર છવાઈ ગયો છે. સિંધુ સભ્યતાના હજારો વર્ષ પુરાણા ધોળાવીરા સહિત જિલ્લાના અન્ય ઐતિહાસિક સ્થળોએ 30 શ્રમિકો રોજિંદા વેતન પર કામ કરતા હતા. જેઓ જે-તે સાઇટની દૈનિક સારસંભાળ જાળવતા હતા.

આ કર્મચારીઓને જાણ કર્યા વિના અચાનક છૂટા કરી દેવાયા છે, જેથી આ સ્મારકોની યોગ્ય જાળવણી થતી નથી. કચ્છના આ વિશ્વ પ્રસિદ્ધ સ્થળોને નિહાળવા માટે દર વર્ષે દેશ-વિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે અત્યારે શ્રમિકોની ઘેર હાજરીના કારણે ઉભી થયેલી ગંદકીથી પ્રવાસીઓ ખરાબ છાપ લઇને જાય છે અને તેની સીધી અસર પ્રવાસન ઉદ્યોગ પર પડી રહી હોવાનું પણ રજુઆતમાં જણાવાયું છે.

આ પણ વાંચો :વલો કચ્છ: આસ્થા સાથે બૌદ્ધિક આયોજનોની પરંપરા જાળવતું કચ્છ…

કચ્છના ઐતિહાસિક વારસાને સાચવનારા ઘરભેગા કરી દેવામાં આવેલા કર્મચારીઓમાંથી અમુક કર્મચારીઓ ૭ વર્ષથી તો કેટલાક છેલ્લા 30 વર્ષથી ફરજ બજાવતા હતા અને તેઓ આ ઐતિહાસિક સ્થળોની નિયમિત સફાઇ, રખરખાવની જવાબદારી ખંત પૂર્વક નિભાવતા હતા પરંતુ તેમને અચાનક છૂટા કરી દેવાતાં તેમના પરિવાર પર ઘેરું આર્થિક સંકટ આવી પડ્યું છે અને પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલશે તેની ચિંતા તેમને કોરી ખાય છે.

દરમ્યાન, કચ્છમાં આવેલા આ ઐતિહાસિક સ્થળોએ વર્ષ 1994માં 65, 2007માં 7 અને છેલ્લે 2020માં 14 વ્યક્તિઓને કાયમી કરાયા પણ જે 86 લોકોને કાયમી કરાયા છે તેમાંથી સ્થાનિક એકપણ કર્મચારી નથી કે, જેઓ વર્ષોથી અહીં સાફ-સફાઇની કામગીરી કરતા હતા જે બાબત નવાઈ પમાડે તેવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button