કચ્છની ચોંકાવનારી ઘટના: બે મહિના પહેલા જેના અંતિમ સંસ્કાર કર્યા તે જ દીકરીએ પિતાને કહ્યું હું જીવતી છું!

ભુજ: તાજેતરમાં ભુજ તાલુકાના ખારી નામના ગામમાં ફિલ્મી વાર્તા જેવી બનેલી ઘટના હાલ ચર્ચાના સ્થાને છે. ભુજ તાલુકાના નાડાપા ગામે રહેનારા સાકરા કરમણ કેરાસિયા (મૂળ ખાવડા પાસે ગોડપર)ના વતની છે. તેમણે ખાવડા પોલીસમાં આપેલી અરજી પ્રમાણે ગત તા. ર૭-૯ના તેમની મૃત પુત્રી તેણીના પ્રેમી સાથે તેમને મોડી રાત્રીના ઘરે મળવા આવી હતી અને કહ્યું કે, હું જીવું છું મેં આપઘાત કર્યો નથી. પણ અનિલ જોડે ભાગી ગઈ હતી. મારાથી ભૂલ થઈ છે મને માફ કરી દયો. પિતાએ કહ્યું કે, અમે તારા બદલે જેની અંતિમક્રિયા કરી તે કોણ હતું ? તે સવાલ સાંભળી રામીએ મને ખબર નથી તેવો ઉડાઉ જવાબ આપતા પિતાએ પોલીસ સ્ટેશને જવાનું કહેતા રામી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી.
પોલીસમાં અરજી બાદ તપાસ કરતાં બંનેને રાઉન્ડઅપ કરાયા હોવાનું જાણવા મળ્યું છે. સાકરાભાઈની દિકરી રામીબેનના લગ્ન 2013-14માં થયા હતા. પતિ સાથે મનમેળ ન આવતા ગત મે મહિનામાં કોર્ટ મારફતે છુટાછેડા થયા હતા. તેના થોડા દિવસો બાદ જુન મહિનામાં અંધારી તેરસના બીજા લગ્ન ખારી ગામના કાના ડેભા ચાડ સાથે થયા હતા. રામીને ખારી ગામમાં રહેતા અનિલ ગોપાલ ગાગલ નામના પરણિત યુવક સાથે પ્રેમ સબંધ હતો, પરંતુ તે પરણિત હોવાથી પિતાએ લગ્નની ના પાડી હતી.
લગ્નના એક મહિના બાદ પાંચમી જુલાઈના સાકરાભાઈને ફોન આવ્યો કે, રામીએ સળગીને આપઘાત કરી લીધો છે. પરિવારજનો પહોંચ્યા ત્યારે માત્ર હાડકા મળ્યા હતા. રામીના ચંપલ, મોબાઈલ અને અમુક અવશેષ બહાર જોવા મળતાં રામીએ જ આપઘાત કર્યો હોવાનું માની રાખ એક્ત્ર કરી સ્મશાનગૃહમાં પુનઃ અગ્નિદાહ આપી માવતર અને સાસરા પક્ષે સામાજિક રાહે અંતિમવિધિ કરી હતી. રામીનો મોબાઈલ તપાસતા બે વીડિયો જોવા મળ્યા હતા, જેમાં તેણે પોતાની જાતે હું જીવવા માંગતી નથી એટલે મરી જાઉં છું તેમ કહેતા તેણે સ્વયંમ આપઘાત કર્યો હોવાનું પરિવારે માન્યું હતું.
દરમિયાન બે મહિના પછી ર૭મી તારીખે રાત્રે રામી તેના પ્રેમી સાથે પિતાને મળવા આવતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો. સાકરાભાઈએ પોલીસને જાણ કરતાં તપાસ શરૂ કરવામાં આવી છે. રામી જીવીત છે તો તેના સ્થાને અંતિમવિધિ કોની કરાઈ ? બે મહિના સુધી કયાં છુપાયા ? પ્રશ્ચાતાપ કેમ થયું ? તેમજ અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલા છે કે, કેમ ? તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.