આદિપુરમાં ૧૩.૫૫ કરોડના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાકાંડના પર્દાફાશથી ખળભળાટ
ભુજ: પૂર્વ કચ્છના ઔદ્યોગિક મથક ગાંધીધામ શહેરમાં મિત્રો અને પરિચિતોનો વિશ્વાસ કેળવી તેમના ઓળખપત્રોના આધારે બેન્ક ખાતાં ખોલાવી તેમની જાણ બહાર લાખો કરોડોની નાણાંકીય હેરફેર કરવાના દેશભરમાં ચકચારી બનેલાં કૌભાંડ બાદ વધુ એક કરોડોના અંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાકાંડનો આદિપુર પોલીસે પર્દાફાશ કર્યો છે.
આ કેસમાં પકડાયેલા બે આરોપી અમદાવાદ, મોરબી, ગાંધીધામ, આદિપુરની જુદી-જુદી બેંકની ૪૪ કિટ સાથે પકડાયેલા શખ્શો મિત્રો-પરિચિતોને વિવિધ પ્રકારના પ્રલોભનો આપતા હતા અને થોડા પૈસા આપી તેમની પાસેથી બેંકની કિટ મેળવીને તેમના બેંક ખાતામાં ક્રિકેટના સટ્ટાનો વ્યવહાર કરવામાં આવતો હોવાના ઘટસ્ફોટથી ખળભળાટ ફેલાયો છે.
સરહદી રેન્જની સાયબર પોલીસને પૂર્વ બાતમીના આધારે આદિપુરના ગજવાણી માર્ગ પરથી થોભાવેલી કારમાંથી જુદી-જુદી બેંકની ૪૪ કિટ મળી આવી હતી અને આદિપુરના ૪-બી વિસ્તારમાં રહેતા નરેશ રમેશ સંગતાણી તથા સાધુ વાસવાણી નગરમાં રહેતા ભરત મુકેશ નેનવાયાની અટક કરવામાં આવી હતી. નરેશ સંગતાણી લોકોની બેંક કિટ મેળવી મુંબઈ મહારાષ્ટ્રના બાબુ બાલા નામના શખ્સને પહોંચાડતો હતો. કેટલાક બેન્ક ખાતા રાજ ધનવાણીએ ખોલાવડાવી બાબુ બાલાને તેની કિટ આપી હતી. સાયબર પોલીસના ગુનામાં આ શખ્સનું નામ બહાર આવતાં અગાઉ જ નાસી ગયો હતો. રાજ ધનવાણી અને એ. યુ. સ્મોલ ફાયનાન્સ બેંકની ગાંધીધામ શાખાનો મેનેજર ખાતાઓ ખોલાવવામાં સાથ આપતો હોવાનું પણ ફરિયાદમાં લખાવાયું છે.
આ સટ્ટાખોરો ગાંધીધામ, આદિપુર, મેઘપર કુંભારડી, બોરીચી, ભુજ, ભારાસર, અમદાવાદથી લઇ છેક ઉત્તરપ્રદેશના લોકોને ખાતાદીઠ રૂા.૮થી ૧૦ હજાર આપતા હતા અને બદલામાં ઓળખપત્રો મેળવીને ખોલાવેલા બેંક ખાતાની કિટ, એ.ટી.એમ, પાસબુક, ચેકબુક વગેરે મેળવી બાબુ બાલાને રૂા. ૩૦૦૦૦માં આપી દેતા હતા. બેંક ખાતુ ખોલાવતી વખતે મુંબઈથી આવતા મોબાઈલના સિમકાર્ડ નંબર તેમાં નોંધાવાતા હતા અથવા ગૂગલ મેસેન્જર દ્વારા ક્યુઆર કોડ સ્કેન કરી બેંક ખાતા ઉપયોગમાં લેવાતા હતા.
આ પણ વાંચો : કચ્છમાં કરુણાંતિકા : ઘોડિયામાં સુતેલા એક વર્ષના બાળક પર થાંભલો પડતાં મોત
આ તમામ ખાતાઓમાં અત્યાર સુધીમાં આ ટોળકીએ રૂા. ૧૩,૫૫,૦૦,૦૦૦ ના આર્થિક વ્યવહારો કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
મુંબઈના બાબુ બાલા અને રાજ ધનવાણીને અટકમાં લેવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.
સાંયોગિક પૂરાવા એકત્ર કરવા માટે અટકમાં લેવાયેલા શખ્સોના લેપટોપ, મોબાઈલ ફોન, સીમ કાર્ડ, વિવિધ બેન્ક ખાતાનાં જપ્ત કરેલા દસ્તાવેજોની હાલ ઝીણવટભરી તપાસ ચાલુમાં હોવાનું તપાસકર્તાએ ઉમેર્યું હતું.