સવા કરોડ રૂપિયાની ખંડણી માટે કચ્છના વેપારીના પુત્રની હત્યા
કચ્છ: અંજારમાં થોડા દિવસો પહેલા લાકડાના વેપારીના પુત્રના અપહરણની ઘટના બની હતી. અપહરણકારોએ પુત્રને છોડાવવા વેપારી પિતા પાસેથી રૂપિયા સવા કરોડની ખંડણી માગી હતી. આ કેસમાં હવે એક ચોંકાવનારો વળાંક આવ્યો છે જેમાં જંગલ વિસ્તારમાંથી પોલીસને વેપારીના પુત્રનો દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે 2 લોકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.
ગત સોમવારની ઘટનામાં અંજારમાં રહેણાંક વિસ્તારમાંથી કોલેજ જવાનું કહીને નીકળેલા 19 વર્ષીય કિશોરનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકર્તાઓએ કિશોરના પરિવારજનોને ફોન કરીને સવા કરોડ રૂપિયાની ખંડણી માગી હતી અને રૂપિયા આપીને મુંબઇ આવીને કિશોરને છોડાવી જવાનું કહેવામાં આવ્યું હતું.
પોલીસે આરોપીઓ સુધી પહોંચવા માટે એલસીબી, એસઓજી સહિતના અધિકારીઓની ટીમ કામે લગાડી હતી. યુવકે જંગલની ઝાડીઓમાંથી પોતાનો એક વીડિયો ઉતારીને તેના સોશિયલ મીડિયામાં શેર કર્યો હોવાની પણ વિગતો મળી છે. ફરિયાદ દાખલ થયા બાદથી પોલીસ સતત સર્ચ ઓપરેશન હાથ ધરીને યુવકની ભાળ મેળવવા કામગીરી કરી રહી હતી. મોડીસાંજે ઝાડીઓમાંથી સર્ચ દરમિયાન પોલીસને ગુમ કિશોરનું બૂટ મળી આવ્યું હતું. આ દિશામાં આગળ તપાસ હાથ ધરતા પોલીસને ઝાડીઓમા દાટેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.