ભુજના દહીસરામાં મહિલા CHO ની છેડતીઃ આરોપીના પરિવાર દ્વારા તોડફોડ…
ભુજ: ભુજ તાલુકાના દહિંસરા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોમ્યુનિટી હેલ્થ ઑફિસર (CHO) તરીકે ફરજ બજાવી રહેલી યુવતીની અહીંની મહિલા સફાઈ કામદારના પુત્રએ સરાજાહેર છેડતી કરી હતી. ત્યારબાદ આ યુવકને માફી માગવાનો આગ્રહ કરતાં ભડકેલા યુવક અને તેના પરિવારજનોએ મારામારી કરીને કારમાં તોડફોડ કરી હોવાનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે.
આ પણ વાંચો : આજથી સોમનાથમાં રાજય સરકારની 11મી ચિંતન શિબીરઃ ત્રણ દિવસ મહત્વની ચર્ચાઓ કરાશે
પોલીસ મથકે નોંધાઈ એટ્રોસીટી અને છેડતીની ફરિયાદ
યુવતીએ માનકૂવા પોલીસ મથકે દહિંસરા ગામના આરીફ હારુન હિંગોરજા નામના યુવક વિરુધ્ધ એટ્રોસીટી અને છેડતીની કલમો અંતર્ગત નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત ૧૯મી નવેમ્બરની સવારે પોણા નવના અરસામાં તેણી ફિમેલ વોર્ડમાં હાજર હતી. એ વખતે યુવતીની છેડતી કરી હતી. હેબતાઈ ગયેલી યુવતીએ ચીસાચીસ કરી મુકતા આરોગ્ય કેન્દ્રનો અન્ય સ્ટાફ બનાવના સ્થળે દોડી આવ્યો હતો.
માફીને બદલે આરોપી સાથે પરિવાર ઝઘડો કરવા આવ્યો
માનકુવાના પી.આઈ ડી.એન.વસાવાએ જણાવ્યું હતું કે આરીફની માતા હવાબાઈ અહીં સાફ સફાઈનું કામ કરે છે. મંગળવારે હવાબાઈ ગેરહાજર હોઈ તેના બદલે પુત્ર આરીફ નોકરી પર આવ્યો હતો. છેડતીનો ભોગ બનેલી યુવતીએ આરીફ પાસે માફી મગાવવાનો આગ્રહ રાખ્યો હતો, પરંતુ, માફી માગી નહોતી અને બીજા દિવસે સવારે આરીફ અને તેનો પરિવાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં યુવતી સાથે ઝઘડો કરવા ધસી આવ્યો હતો.
કારમાં તોડફોડ કરી આપી ધમકી
છકડો અને મોપેડ પર આરીફ, તેની માતા હવાબાઈ, પિતા હારૂન હિંગોરજા અને કજબાનુ વગેરે અહીં આવ્યા ત્યારે યુવતી સહકર્મચારી નિલેશ દિલીપ પરમારની સ્વિફ્ટ કારમાં બેસીને બહાર જતી હતી ત્યારે કાર આગળ મોપેડ ઊભું રાખીને રસ્તો આંતર્યો હતો. ત્યાર બાદ કારના કાચ પર મુક્કા અને પથ્થર મારીને કાચ તોડી નાખ્યો હતો અને કારને પણ નુકસાન પહોંચાડ્યું હતું. શખ્સે ફેંકેલો છૂટ્ટો પથ્થર સીએચઓના પેટમાં વાગતાં ઈજા પહોંચી હતી અને નિલેશના હાથ પર કાચ વાગ્યો હતો. હુમલાખોર આરોપીઓએ બંને જણને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો : ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો; નલિયા 14.1 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર
હુમલા અને તોડફોડ સબબ નિલેશ પરમારે ચારે સામે માનકૂવા પોલીસ મથકે અલાયદી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મુખ્ય આરોપીને રાઉન્ડ અપ કરી લીધો છે. અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે કચ્છમાં સરકારી દવાખાનાઓમાં ઉપલબ્ધ સેવા અને સુવિધાઓની સમીક્ષા અર્થે દિલ્હીથી કેન્દ્રીય ટીમ રૂબરૂ આવી છે ત્યારે આ શરમજનક ઘટનાએ આરોગ્ય કર્મચારીઓની સલામતી સામે ગંભીર સવાલો ઊભા છે.