Kutch Ajrakh ને મળ્યો GI Tag: 5000 વર્ષ જૂની કલા હજુ જીવે છે

અમદાવાદઃ અજરખનું નામ પડતા જ મહિલાઓના ચહેરા પર લાલી આવી જાય. દરેક સમયમાં ફેશનમાં રહેતી આ કચ્છી કારીગરીને હવે જીઆઈ ટેગ મળી ગયો છે. કન્ટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઈન્સ એન્ડ ટ્રેડમાર્ક દ્વારા સત્તાવાર રીતે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. કચ્છી અજરખ હાલમાં ખાસ કરીને કપડામાં દેખાઈ છે. આ પ્રિન્ટ 2,500થી 5000 વર્ષ જૂની માનવામાં આવે છે. સિંધ, બારમેર અને કચ્છના વિસ્તારોમાં આ કલાકારી જોવા મળે છે.
અજરખ કોટન, ઉન અને સિલ્ક કપડામાં જોવા મળે છે. વર્ષો પહેલા આ પ્રિન્ટ ખાસ કરીને માલધારી સમાજ માટે જ બનાવવામાં આવતી અને તેમની મહિલાઓ આ પ્રિન્ટના કપડા પહેરવાનું વધારે પસંદ કરતી. અજરખ મોટેભાગે ઘેરા રંગોમાં જોવા મળે છે. આનું કારણ એ છે કે જો કોઈ રણ વિસ્તારમાં ખોવાઈ જાય તો દૂરથી પણ તેને જોવામાં મદદ મળી શકે. આ સાથે અજરખ માટે નેચરલ ડાઈનો ઉપયોગ કરવામાં આવે છે, જે ઉનાળામાં ઠંડક આપે અને શિયાળામાં ગરમાટો આપવાનું કામ કરે છે. આનું કારણ ડાઈના જે કણો છે તે શિયાળામાં બંધ થાય અને ઉનાળામાં ખુલી જાય છે, તેમ માનવામાં આવે છે.


આ અજરખ ડાઈની સૌથી મોટી લાક્ષણિકતા એ છે કે તે સો ટકા ઈકો ફ્રેન્ડલી છે. પંદર સ્ટેપ્સમાં ડાઈ બને છે જેમાં ફૂડ, ફ્રુટ્સ, ફ્લાવર્સ, અને સ્પાઈસિસનો ઉપયોગ થાય છે. તમને લગભગ નહીં ખ્યાલ હોય કે અજરખમાં કપડાની બન્ને બાજુએ એક સરખી ડિઝાઈન હોય એટલે તમે કપડું બન્ને બાજુ ઉપયોગમાં લઈ શકો. આ કલાકારી ખાસ કરીને ત્રણ ગામ અજરખ, ધામકડા અને ખાવડા ગામમાં જોવા મળે છે. આ કલાગીરી સાથે જોડાયેલા લોકો લગભગ 400 વર્ષ પહેલા ધમાકડા ગામે રાજા રાવ ભારમલજીના આમંત્રણથી આવ્યા હતા.
1950માં જ્યાર ડાઈમાં કેમિકલનો ઉપયોગ થવા માંડ્યો ત્યારે અજરખની માગમાં ભારે ઘટાડો થયો હતો, પરંતુ દેશ-વિદેશના યુવાન વિદ્યાર્થીઓએ આ ક્ષેત્રમાં રસ લીધો અને ફરી અજરખની માગણી વધી. આજકાલ મોટા મોટા ફેશન શૉમાં પણ અજરખ પ્રિન્ટનો ઉપયોગ થતો જોવા મળે છે. હાલમાં કચ્છમાં લગભગ 170 જેટલા મેન્યુફેક્ચર આ કામ સાથે જોડાયેલા છે. કચ્છી અજરખની પ્રિન્ટ મહેનત અને કૌશલ્ય માગી લે તેવી છે અને તેની રેસિસ્ટ પ્રિન્ટને લીધે દુનિયાભરમાં પ્રિય છે, તેમ નિષ્ણાતો જણાવે છે.