આપણું ગુજરાત

સ્વચ્છતા હી સેવાઃ આ કચ્છી મહિલાનું વર્ષે રૂ.15 લાખનું છે ટર્નઓવર

સ્વચ્છતા સાથે આર્થિક ઉપાર્જન પણ જોડાઈ તો કેવું સારું. આજે એક એવી મહિલાની વાત કરવાની છે, જેણે સ્વછતાના એક ભાગને પોતાની રોજીરોટી બનાવી દેશ વિદેશમાં નામ કમાયું છે. આપણે વાત કરી રહ્યા છીએ કચ્છના ભુજ પાસે આવેલા અવધનગરમાં રહેતાં રાજીબેન વણકરની. 50 વર્ષીય રાજીબેન વણકર પ્લાસ્ટિકના કચરાને પ્રોસેસ કરીને તેમાંથી શોપિંગ બેગ, પર્સ, મોબાઇલ કવર, ટ્રે, યોગા મેટ, ફાઇલ, ચશ્મા કવર સહિતની ટ્રેન્ડી અને રોજબરોજના ઉપયોગમાં લેવાતી ચીજો બનાવે છે. આ કામગીરીમાં તેમની સાથે 50 બહેનો પણ જોડાઈ છે, જેઓ કટિંગથી લઇને ઉત્પાદોના નિર્માણની વિવિધ કામગીરી કરે છે.

જ્યારે રાજીબેન 13 વર્ષના હતાં, ત્યારે તેમના પિતાની બીમારી જોઇને તેમણે વણાટ કામગીરી શીખવાનું નક્કી કર્યું. પરંપરાગત રીતે આ પુરુષોનું કામ હતું, પરંતુ તેમણે પરિવારને સહાયતા કરવા માટે આ કામ શીખવાનું શરૂ કર્યું. લગ્ન બાદ અમુક વર્ષોમાં પતિનું અવસાન થઇ જવાથી, પરિવારની જવાબદારી તેમણે હાથમાં લીધી અને વણાટ કામગીરીના માધ્યમથી સ્થાનિક રોજગારી મેળવવાનું શરૂ કર્યું. કચ્છની ખમીર સંસ્થામાં તેઓ જોડાયાં અને ત્યાં પ્લાસ્ટિક રિસાઇક્લીંગની કામગીરી શીખ્યાં.


વર્ષ 2012માં રાજીબેને ખમીરમાં પ્લાસ્ટિક રિસાઇકલીંગની કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ પૂરતી તાલીમ મેળવ્યા પછી 2018માં તેમણે સ્થાનિક મહિલાઓને સાથે જોડીને તેમના ગામમાં આ કામગીરીની શરૂઆત કરી હતી
ચાર તબક્કામાંથી આ પ્રક્રિયા પ્રસાર થાય છે.


સૌથી પહેલા પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવે છે, ત્યારબાદ પ્લાસ્ટિકની સફાઇ કરીને સૂકવવામાં આવે છે, ત્યારબાદ પ્લાસ્ટિકની પટ્ટીઓ કાપવામાં આવે છે અને ત્યારબાદ તેમાંથી ઉત્પાદો બનાવવામાં આવે છે. કચરો વીણતી મહિલાઓ પ્લાસ્ટિક એકઠું કરીને રાજીબેનને આપે છે, જેમને નિર્ધારિત મહેનતાણું ચૂકવવામાં આવે છે.

રાજીબેન સાથે કામ કરતી મહિલાઓ મહિને 6 હજાર જેટલી કમાણી કરી લે છે. તેમના ઉત્પાદો હવે ઓનલાઇન પણ ઉપલબ્ધ છે અને ભારતના દિલ્હી, મુંબઈ અને બેંગાલુરૂ જેવા મોટા શહેરોથી લઇને વિદેશમાં લંડન સુધી પહોંચ્યા છે.વર્ષનું ટર્નઓવર 15 લાખ છે. રાજીબેનને એ વાતનો સંતોષ છે કે આ કામગીરીથી સ્વચ્છતાની સાથે, પર્યાવરણની જાળવણી થાય છે અને લોકોમાં જાગરૂકતા આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button