Kunvarji Bavaliya ને ગુજરાતના સીએમ બનાવવાની માગ સાથે વડાપ્રધાનને પત્ર, બાવળિયાએ કહ્યું વાત પાયાવિહોણી
અમદાવાદ : ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કેન્દ્રીય મંત્રી બન્યા બાદ રાજકારણ ગરમાયુ છે. 4 અને 5 જુલાઈએ સારંગપુરમાં યોજાયેલી રાજ્ય કારોબારીની બેઠકમાં પાટીલે પણ પદ પરથી રાજીનામું આપવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. ત્યાર પછી અનેક લોકોની નજર નવા પ્રદેશ પ્રમુખ પર છે તો બીજી તરફ મુખ્યમંત્રી પદ માટે પણ રસાકસીનો દોર તેજ બન્યો છે.જેમાં મળતી માહિતી મુજબ ગુજરાતના ઠાકોર અને કોળી વિકાસ નિગમના પૂર્વ પ્રમુખ ભૂપત ડાભીએ પીએમમોદીને પત્ર લખીને કોળી સમાજના આગેવાન અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને(Kunvarji Bavaliya) મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે.
રાજકીય માહોલ ગરમાયો
આ પત્ર બાદથી રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. બીજી તરફ કોંગ્રેસના પૂર્વે નેતા કુંવરજી બાવળિયા એ ખુદને મુખ્યમંત્રી બનાવવાની માંગ પર સ્પષ્ટતા કરી છે. કુંવરજીએ કહ્યું કે આ સંપૂર્ણ પાયાવિહોણું છે. આવા કિસ્સાઓમાં નિર્ણય હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવે છે.
બાવળિયાએ આ વાતને સંપૂર્ણપણે ફગાવી દીધી
રાજકોટ જિલ્લાના જસદણના વિછીયાના કોળી સમાજે કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા દિલ્હી સુધી માંગણી કરી છે. જો કે બાવળિયાએ આ વાતને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને લખેલા પત્રમાં ભૂપતભાઈ ડાભીએ સૌપ્રથમ તેમને પીએમ બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
કોળી સમાજનો સર્વે કર્યા બાદ આ પત્ર લખ્યો
ગુજરાતમાં કોળી સમાજની વસ્તીનો ઉલ્લેખ કરતા ભૂપત ડાભીએ કહ્યું છે કે તેમણે કોળી સમાજનો સર્વે કર્યા બાદ આ પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે કુંવરજીભાઈના કહેવાથી કોળી સમાજે ભાજપને મત આપ્યો છે. ગુજરાતમાં 265 સરપંચો કોળી સમાજના છે. જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોળી સમાજના ચૂંટાયેલા સભ્યો છે.
ગુજરાતમાં 32 ટકા વસ્તી કોળી સમાજની
જ્યારે પંચાલ વિકાસ બોર્ડ સમસ્ત કોળી સમાજના વડા વિનોદ વાલાણીએ જણાવ્યું હતું કે કુંવરજી બાવળિયા સતત 7 વખત ધારાસભ્ય તરીકે અને એક વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. ગુજરાતમાં 32 ટકા વસ્તી કોળી સમાજની છે. ત્યારે કુંવરજી બાવળિયાની તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત પણ મહત્વની માનવામાં આવી રહી છે.