આપણું ગુજરાતટોપ ન્યૂઝવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ભાજપ સામે ક્ષત્રિયોએ મોરચો માંડ્યો, ભાજપના બોયકોટ સાથે આંદોલન પાર્ટ-2ની જાહેરાત

ગુજરાતમાં લોકસભાની તમામ 26 સીટો જીતવાની મહત્વાકાંક્ષા રાખતા ભાજપના નેતૃત્વને ચૂંટણીમાં મોટો ઝટકો લાગી શકે છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો પર વિવાદાસ્પદ ટીપ્પણી કરતા ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. રૂપાલાએ ત્રણ વખત માફી માંગી તેમ છતાં ક્ષત્રિયો તેમની ટિકિટ રદ કરવા અડગ છે.

આ પણ વાંચો: અમદાવાદની બંને સીટના કોંગ્રેસના ઉમેદવારો કરોડપતિ, કેટલી છે સંપત્તિ? જાણો

પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા અંગે ભાજપ દ્વારા કોઈ નિર્ણય ન લેવામાં આવ્યો નથી, વળી રૂપાલાએ ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ઉમેદવારી ફોર્મ ભર્યું છે, જેથી નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા હવે આગામી આંદોલન કઈ તરફ આગળ લઈ જવું એને લઈ રણનીતિ અને કાર્યક્રમો ઘડવા અંગેની મહત્ત્વની બેઠક અમદાવાદમાં આજે 19મી એપ્રિલના રોજ રાખવામાં આવી હતી.

આજે અમદાવાદના ગોતા સ્થિત રાજપૂત ભવનમાં સંકલન સમિતિ અને 92 સંસ્થાના પ્રતિનિધિઓની બેઠક મળી હતી. આ બેઠકમાં આંદોલન પાર્ટ-2નો આરંભ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજપૂત સમાજની સંકલન સમિતિએ રાજ્યભરમાં ભાજપનો બોયકોટ કરવા અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. આ બેઠક બાદ સંકલન સમિતિએ પ્રસ કોન્ફરન્સ યોજી 20 એપ્રિલથી રાજ્યના દરેક જિલ્લામાં ભાજપનો વિરોધ કરવા આહવાન કર્યું હતું. તેમજ ‘મત એજ અસ્ત્ર અને મત એજ શસ્ત્ર’નું નવું સૂત્ર આપ્યું હતું.

આ પણ વાંચો: સાબરકાંઠા સીટ પર ત્રિપાંખિયો જંગ, ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી નોંધાવતા ભાજપની મુશ્કેલી વધી

ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો પૈકીના કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ’14 તારીખે ડેડલાઇન આપી હતી, 19 સુધી ઉમેદવારી પાછી નહીં ખેંચાય તો ઓપરેશન ભાજપ શરૂ કરવાનું હતું, 120થી વધુ સંસ્થા, 150 ક્ષેત્રના આગેવાનો કોર સમિતિમાં હતા, સર્વાનુમતે બહાલી આપી છે, હવે ભાજપની જાહેર સભાઓમાં કાળા વાવટાની જગ્યાએ હવેથી ભગવા (કેસરિયો) ઝંડાથી વિરોધ કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાંથી ધર્મ રથ નીકળશે, ક્ષત્રિય આગેવાનો આ ધર્મ રથમાં ફરશે, 22 એપ્રિલથી ધર્મ રથ ફરવાનું શરૂ કરશે, જો કે રાજકોટ અમારું એ.પી સેન્ટર રહેશે. તે ઉપરાંત દરેક તાલુકામાં જિલ્લા પ્રવક્તાની નિમણૂંક કરાશે, દરેક જિલ્લામાં ક્ષત્રિયોની કમિટી બનાવવામાં આવશે તથા યુવા અને લીગલ કમિટી પણ બનશે.

ક્ષત્રિય સંકલન સમિતિની આ બેઠકમાં વડાપ્રધાન મોદી હોય કે ગૃહમંત્રી હોય તમામનો લોકશાહી ઢબે વિરોધ કરવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ક્ષત્રિયોએ રૂપાલાની રાજકોટ બેઠક ઉપરાંત સુરેન્દ્રનગર, બનાસકાંઠા, રાજકોટ, સાબરકાંઠા, કચ્છ અને જામનગર સહિતની 8 બેઠકો પર હરાવવનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે.

જ્યારે તૃપ્તિબા રાઓલે જણાવ્યું કે આવતીકાલથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં બહેનો 7 મે સુધી ક્રમિક રીતે 1 દિવસીય પ્રતિક ઉપવાસ કરશે. 21 બહેનો 18 દિવસ સુધી પ્રતીક ઉપવાસ કરશે. તમામ લોકોને અમે જોડીશું. આખા ભારતની સ્ત્રીની અસ્મિતાનો સવાલ છે. કોઈપણ નેતા, માતા-બહેનો પર ટિપ્પણી કરી જાય અને માફી માગી જાય એ રાજપૂત સમાજ ચલાવી ન લે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button