ક્ષત્રિય સમાજ હવે પરસોત્તમ રૂપાલા સામે ખાંડા ખખડાવવાના મૂડમાં,જાણો કાલે શું થશે ?
ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આજથી નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. લોકસભા ચૂંટણી માટે ઇચ્છુક ઉમેદવારો પોતાના નામાંકન કરી શકશે,પરંતુ આ વચ્ચે પણ રાજકોટ બેઠક પર ભાજપના લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો આક્રોશ દિન-પ્રતિદિન બળવત્તર બનતો જાય છે. સતત 19 દિવસથી ચાલ્યો આવતો વિવાદ અટકવાનું નામ નથી લેતો. આ વિવાદમાં રાજકારણીઓ-સંતો અને સરકાર સહુ કોઈએ સહિયારા પ્રયાસ કર્યા.પણ ક્ષત્રિય સમાજ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચાવા સિવાય કશું નથી ઈચ્છતો. આ વચ્ચે રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલે એક જનસભા સંબોધિત કર્યા બાદ પોતાનું ફોર્મ ભરશે. બીજી તરફ ક્ષત્રિય સમાજ શનિવારે હિમ્મત નગર અને ભરૂચમાં જિલ્લા સ્તરનું સંમેલન બોલાવશે. અને રવિવારે રાજકોટના સરતાનપરમાં વિશાળ ક્ષત્રિય સંમેલન બોલાવી પોતાની રૂપાલાની ‘ઉમેદવારી પરત’ ની માંગ માટે ખાંડા ખખડાવશે. આજે અમદાવાદનાં ગોતા માં મળે એક બેઠકમાં રાજપૂત સમાજના આગેવાન કરણસિંહ ચાવડાએ કહ્યું કે, ‘શરમનો છાંટો હોય તો સામેથી પરસોતમ રૂપાલાએ ઉમેદવારી પરત ખેંચી લેવી જોઈએ’
આ પણ વાંચો : પુરુષોત્તમ રૂપાલા સામે હવે જામ સાહેબ મેદાને, ચૂંટણીમાં જવાબ આપવાની ક્ષત્રિયોની કરી હાકલ
રાજપૂત સમાજની બેઠકમાં નવો નારો આપી કરણસિંહ ચાવડાએ કહ્યું કે, ‘ચલો રાજકોટ’,જામનગર અને રાજકોટમાં બહેનો સાથે થયેલા અશોભનીય વર્તનનો ઉલ્લેખ કરી તેમણે ઉમેર્યું કે શનિવારે જિલ્લા બેઠક મળશે અને રવિવારે મહાસંમેલન મળશે. મહાસંમેલનની પરવાનગી મળવા અંગે ઉમેરતા કહ્યું કે અમારું કોઈ રાજકીય સંમેલન નથી . સામાજિક બેઠક છે. અને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે પણ અમે સતર્ક છીએ. પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ્દ સિવાય કોઈ સમાધાન નથી ઇચ્છતા. સનાતન ધર્મને ટકાવી રાખવા ક્ષત્રિય સમાજ પાળિયા થયાનો ગૌરવ વંત ઇતિહાસ છે. ત્યારે સંતો-મહંતો રૂપાલાને સમજાવી,ટિકિટ રદ્દ કરાવે તો આ વિવાદનો અંત આવી શકે છે.
રૂપાલા નામાંકન કરે તો શું ?
રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ઉમેદવારી નોંધાવે તો ગુજરાતની 26 લોકસભા બેઠક પર ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળશે,તેમ ઉમેરતા કરણસિંહ ચાવડાએ ઉમેર્યું કે રાજકોટ બેઠક પર અમારા સમાજના લગભગ અઢી લાખ મતદારો છે ત્યારે સર્વ સમાજ પણ ક્ષત્રિય સમાજ સાથે જ છે.