પદ્મિનીબા વાળાના હોબાળા સાથે ક્ષત્રિય સંમેલનની પૂર્ણાહુતિ: કહ્યું તે મને આંદોલનમાં ખૂબ નડ્યા…

અમદાવાદ: અમદાવાદનાં ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત છાત્રાલયમાં બહુ ચર્ચિત એવા ક્ષત્રિય સંમેલનનું મહા આયોજન કરાયું હતું. આ સંમેલનમા ગુજરાતનાં રજવાડાના 18 રાજવી પરિવારના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. બિન રાજકીય અને માત્ર સમાજ ઉત્કર્ષની ભાવનાએ મળેલા આ સમેલનમાં અધ્યક્ષ પદ ભાવનગર મહારાજ ક્રુષ્ણકુમારસિંહજીના પૌત્ર વિજયરાજસિંહ ગોહિલને સોંપાયું હતું. ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા. જો કે સંમેલનની પૂર્ણાહુતિ પદ્મિનીબા વાળાની બબાલ સાથે થઈ હતી.
લોકસભા ચૂંટણી વેળા જે આગેવાનો મેદાને પડ્યા હતા તેમા રાજપૂત સંકલન સમિતિના નેતાઓ રમજુભા જાડેજા, પી.ટી. જાડેજા, કરણસિંહ ચાવડા સહિતના સંકલન સમિતિના સભ્યો કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતા. માત્ર તૃપ્તિબા રાઓલ, સુખદેવસિંહ વાઘેલા અને અશ્વિનસિંહ સરવૈયા જ હાજર રહ્યા હતા. પરશોત્તમ રૂપાલાના નિવેદનની સામે આંદોલન છેડનારા પદ્મિનીબા વાળાને આગળ સ્ટેજમાં સ્થાન ન મળતા સંમેલનની પૂર્ણાહુતિ તેમના બખેડા સાથે થઈ હતી.
ક્ષત્રિય સમાજના મહા સંમેલનમાં સ્ટેજમાં સ્થાન ન મળતા પરશોત્તમ રૂપાલાના નિવેદનની સામે આંદોલન છેડનારા પદ્મિનીબા વાળાએ બખેડો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કેમ અમારું સન્માન જાળવવામાં આવતું નથી. તેમણે યુવરાજસિંહ ગોહિલની સામે પ્રશ્નો કર્યા હતા. પદ્મિનીબાએ કહ્યું હતું કે મને સાઈડ લાઇન કરવામાં આવે છે અને યુવરાજસિંહ ગોહિલ મને આંદોલન સમયે પણ ખૂબ નડ્યા છે. સંમેલનના સ્ટેજ પર જ્યારે ક્ષત્રિય મહિલાઓ દ્વારા ફોટો સેશન કરવામાં આવી રહ્યું હતું તે સમયે પદ્મિનીબા વાળા દ્વારા હંગામો મચાવ્યો હતો અને આંદોલન વખતે કરવામાં આવેલો અન્યાય સંમેલનમાં પણ કરવામાં આવ્યો હોવાનો આરોપ કર્યો હતો.
ક્ષાત્ર ધર્મ સાથે સમાજ એ પહેલી પ્રાથમિકતાના સૂત્ર હેઠળ આજે અમદાવાદમા ક્ષત્રિય સમાજના રાજવીઓ એકત્રિત થયા હતા. અગાઉ, 2024ની લોકસભા ચૂંટણી વેળાએ ક્ષત્રિય સમાજનો એક ફિરકો, સાંસદ પરસોત્તમ રૂપાલાના નિવેદનથી નારાજ હતો અને તેના વિરોધમાં જય ભવાની,ભાજપ જવાની જેવું સૂત્ર અપાયું હતું. પણ આ સંમેલનનું મંચ તેના માટે નહોતું અને તેવી કોઈ ગતિવિધિ પણ આ મંચથી નહીં જ થાય તે સૂર ઉચ્ચાર્યો હતો. ભાવનગર રાજવી વિજયરાજસિંહ ગોહિલને સમાજોથ્થાન માટે જે કઈ કરવું પડે તે સઘળું કરી છુટવા જવાબદારી સોંપાઈ હતી.