ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી શરુ, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું…

અમદાવાદ : સમગ્ર દેશમાં આજે ભગવાન કૃષ્ણના જન્મ દિવસ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના પગલે ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
રાજ્યના ડાકોર, દ્વારકા અને શામળાજી મંદિરમાં ગઈ કાલથી ભગવાનના દર્શન માટે ભક્તોની ભીડ વધી રહી છે.તેમજ આ તમામ મંદિરોમાં આજે મંગળા આરતી બાદ ભગવાનના દર્શન માટે લાંબી ક્તારો જોવા મળી રહી છે.

દ્વારકામાં ભગવાનના દર્શન માટે લાંબી કતારો
જેમાં દ્વારકા મંદિરમાં ભગવાનના દર્શન માટે વહેલી સવારથી જ લાંબી કતારો લાગી હતી. જયારે ભક્તો જય દ્વારકાધીશના નાદ સાથે દર્શન કરી રહ્યા છે. આ વર્ષે સાતમના દિવસે જ 1.69 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દ્વારકાધીશના દર્શન કર્યા હતા.
જન્માષ્ટમીના પગલે સમગ્ર દ્વારકા નગરીને રોશની અને ધજા-પતાકાથી શણગારવામાં આવી છે. મંદિરમાં વિશેષ આરતી અને ભજન-કિર્તનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ડાકોરમાં જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ભક્તોમાં ઉત્સાહ
જયારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. યાત્રાધામ ડાકોરને જન્માષ્ટમી પૂર્વે શણગારવામાં આવ્યું છે. તેમજ આજે સવારે 6. 45 વાગ્યે મંગળા આરતી કરવામાં આવી હતી.
તેની બાદ દર્શન માટે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. મંદિરમાં જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, ભારે ભીડના કારણે કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

ભગવાન શામળિયાના દર્શન માટે ભક્તોની ભીડ
જયારે રાજ્યના અન્ય કૃષ્ણ મંદિર શામળાજીમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં
વહેલી સવારથી ભગવાન શામળિયાના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડી છે.
ભગવાન શામળિયાને આકર્ષક સુવર્ણ અલંકાર અને વાઘાથી સજાવવામાં આવ્યા છે. જયારે દિવસ દરમિયાન અલગ-અલગ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શામળાજી મંદિરમાં જન્માષ્ટમી મહોત્સવમાં 108 મટકી ફોડની તૈયારી કરવામાં આવી છે.
આ પણ વાંચો…જન્માષ્ટમી સ્પેશિયલ: લડ્ડુ ગોપાલનો શણગાર અને ભોગ-પ્રસાદ તૈયાર કરતી વખતે આટલું ધ્યાનમાં રાખો