અમદાવાદઆપણું ગુજરાતસુરત

ગુજરાતમાં તબીબો હડતાળ પર ઉતરતા દર્દીઓની હાલત કફોડી બની

અમદાવાદઃ કલકત્તામાં મહિલા રેસીડેન્ટ ડોકટર પર બળાત્કાર અને હત્યા કેસનો દેશભરમાં પડઘો પડ્યો છે અને ડોકટરોમાં રોષ જોવા મળ્યો છે. વિરોધ દર્શાવવા ગુજરાતના ડોકટરો પણ હાલ હડતાળ પર ઉતરી ગયા છે અને ડોક્ટર્સને સુરક્ષા આપવા માંગ કરી રહ્યાં છે. ત્યારે ગુજરાતની હોસ્પિટલમાં ડોકટરો હડતાળ પર ઉતરી જતા દર્દીઓની હાલત કફોડી બની છે. સુરતમાં OPD બહાર દર્દીઓની લાંબી લાઈન લાગી ગઈ છે. દર્દીઓ દૂર દૂરથી આવતા હોવાથી પરેશાન થયા છે.

દર્દીઓને પડી રહી છે હાલાકી:

સુરત, રાજકોટ, અમદાવાદના ડોકટરો હડતાળ પર છે. જેના કારણે દર્દીઓને હાલાકી પડી રહી છે, સુરતમાં એકબાજુ રોગચાળો વધી રહ્યો છે અને બીજી તરફ તબીબોની હડતાળથી સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. નાના બાળકો પણ બિમારીની ઝપેટમાં આવી ગયા છે પરંતુ ડોકટરો હડતાળ પર હોવાથી દર્દીઓને સારવાર નહી મળી રહી હોવાનો આક્ષેપ દર્દીઓ લગાવી રહ્યાં છે. હાલ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર લેવા માટે ભીડ જામી રહી છે.

સુરતમાં ઓપીડી શરૂ થઈ નથી:

સુરતની સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ તબીબોની હડતાળથી ઓપીડી શરૂ થઈ નથી. કેટલીક ઓપીડી ચાલુ થઈ છે. ડોક્ટરો આવે પછી બાકીની ઓપીડી ચાલુ થશે તેવું જાણવા મળ્યું છે. ઓપીડી બહાર દર્દીઓની લાંબી લાઈન લાગી ગઈ છે. દર્દીઓ દૂર દૂરથી આવતા હોવાથી પરેશાન થયા છે. સિવિલ હોસ્પિટલમાં 700થી 800 જેટલા ફરજ બજાવતા ઇન્ટર્ન, રેસિડેન્ટ સહિતના તબીબો ઇમર્જન્સી સેવા સિવાયની સેવાઓથી દૂર રહ્યા છે. જ્યાં સુધી કડક કાર્યવાહી અને ન્યાય નહીં મળે ત્યા સુઘી અચોક્કસ મુદત સુધી હડતાળ પર રહેશે.

હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ પણ મૌન:

સુરત સિવિલ હોસ્પિટલમાં શહેરના તેમજ આસપાસના ગ્રામ્યના લોકો સારવાર લેવા માટે આવતા હોય છે, પરંતુ ડોકટરોના વિરોધને પગલે હાલ દર્દીઓની હાલત કફોળી બની છે. આ મુદ્દે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ પણ મૌન સેવી રહ્યાં છે અને કઈ પણ કહેવા માટે તૈયાર નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button