કોળીયાકમાં ભાદરવીના મેળામાં હૈયે હૈયું દળાયું, હજારો ભાવિકોએ કર્યુ પવિત્ર સમુદ્ર સ્નાન

ભાવનગરઃ કોળીયાક ગામે સમુદ્રમાં બિરાજમાન પાંડવ કાલિન ઐતિહાસિક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં રવિવાર સાંજથી પ્રારંભ થયેલા ભાતીગળ લોક મેળાનું આજે સવારે સમુદ્ર સ્નાન સાથે સમાપન થયું હતું. આજે સોમવતી અમાસના પર્વે દૂર દૂરથી સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પહોંચી મહાદેવના દર્શન કરી સમુદ્રમાં સ્નાન કર્યું હતું અને પોતાની જાતને ધન્ય કરી હતી. ભાદરવી અમાસને લઈને કોળીયાક ગામે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગત સાંજથી મેળાનો આરંભ થયો હતો. આધ્યાત્મિક આસ્થા ધરાવતા શિવભક્તો દૂર દૂર થી ઉમટી પડયા હતાં અને સવારે નકળંગના દરિયે જાણે કિડીયારૂ ઉભરાયુ હોય એવું દ્દશ્ય જોવા મળ્યું હતું. આ વર્ષે વહેલી સવારે પાણી ઓસરવાના શરૂ થયા એ વખતે ઘોઘા બંદરેથી રાજવી પરીવારની ધજા હોડી મારફતે નિષ્કલંક મહાદેવના ઓટલે પહોંચી હતી, જેમાં રાજવી પરીવારના સભ્યો અને સરવૈયા દરબારોએ મહાદેવની પૂજા કરી પ્રથમ ધજા ચડાવી હતી. ત્યારબાદ પાણી ઓસરતાં પોલીસે દર્શન માટે શ્રદ્ધાળુઓને લીલીઝંડી આપતાં સેંકડો લોકોનો સમુહ ઝડપભેર દર્શન કરવા આગળ વધ્યો હતો, આ દ્દશ્ય ખરેખર અદ્દભુત હતું.
આ પણ વાંચો : ત્રણ વર્ષે માંડ કાર્યરત થયેલા ભાવનગરનાં યશવંતરાય નાટ્યગૃહને ફાયર સેફ્ટીનાં અભાવે ફરી તાળા


ગુજરાત અને રાજ્ય બહારથી પણ ભાવિકો ઉમટ્યા, તંત્ર ખડેપગે

કોળીયાકના મહિમાવંતા ભાદરવિનાના લોકમેળામાં રાજ્ય તથા પરપ્રાંતોમાથી પણ બસો ભરી ભરીને ભાવિકો ઉમટ્યા હતાં. એ સાથે સાધુ-સંતોની હાજરી પણ નોંધપાત્ર જોવા મળી હતી. આ મેળાને લઈને જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, પીજીવીસીએલ, આરોગ્ય, ફાયરબ્રિગેડ સહિતના વિભાગો દ્વારા સુંદર વ્યવસ્થા-બંદોબસ્ત ગોઠવવામાં આવી હતી, મરીન પોલીસ દ્વારા પણ સમુદ્રમાં સ્પિડબોટ દ્વારા સતત પેટ્રોલીંગ શરૂ રાખ્યું હતું