‘કોઈ હમ-દમ ના રહા,કોઈ સહારા…’ ગુજરાતથી સ્ટાર પ્રચારકો કેમ રહ્યા દૂર ?
![PM Modi slams 'INDIA' coalition on 'Vote Jihad' issue in Surendranagar](/wp-content/uploads/2024/05/dhiraj-2024-05-02T174513.608.jpg)
લોકસભાની ચૂંટણી હોય અને ગુજરાતમાં સ્ટાર પ્રચારકો ના હોય એવું કેવી રીતે બને ? પણ પહેલી વાર એવું બન્યું છે કે કરોડો સદસ્યોની પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકો ગુજરાત પ્રચારથી અળગા રહ્યા. ગુજરાતમાં વડાપ્રધાન મોદીએ ભાજપ માટે સંવેદનશીલ કહેવાતી 6 લોકસભા સીટ પર પ્રચાર કર્યો. અમિત શાહ પણ છોટા ઉદેપુર, વલસાડ, અમદાવાદ પૂર્વમાં પ્રચાર કર્યો. ‘અનુપમા ફેમ’અને ભાજપમાં નવી સવી જોડાયેલી તારિકા પોરબંદર બેઠકના ઉમેદવાર ડો મનસુખ માંડવિયા માટે પ્રચારમાં આવી રોડ શો કર્યો. તો કોંગ્રેસમાથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડ્ગે, પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, અને પ્રિયંકા ગાંધી એક સભા માટે આવ્યા. એક સભા માટે રાહુલ ગાંધી આવ્યા. આવું કેમ થયું ?
ગુજરાત આવવા કરતાં અન્યત્ર ધ્યાન આપ્યું ?
ગુજરાત કોંગ્રેસમાં એવા મોટા સ્ટાર પ્રચારક હવે કદાચ રહ્યા નથી.આમ પણ છેલ્લી બે લોકસભા ટર્મથી કોંગ્રેસ એક પણ બેઠક જીતી ના શકી. પરિણામે, કોંગ્રેસને અહીં પ્રચાર-પ્રસાર એ સોદામાં મોંઘો પણ પડે.એટલે કદાચ કોંગ્રેસે મન વાળી લીધું હોય કે,ગુજરાતમાં બહુ ધ્યાન નહીં આપીએ તો ચાલશે. આમ પણ કેટલાક ઉમેદવારો પોતાની રીતે મજબૂત છે જ.એ સિવાય ગુજરાતનો પવન ભાજપા વિરોધી ફૂંકાઈ રહ્યો છે ત્યારે,આ હવા જ આપણાં પતંગને ઊંચે લઈ જશે. એટલે અહીં સમય જાય તેના કરતાં બીજા રાજ્યોમાં વધુ જનસભા -રોડ શો થી વધુ બેઠકો જીતી શકાય તેમ છે. કોંગ્રેસને તો વળી પાછો એ પણ પ્રશ્ન કે ખર્ચ માટે નાણાં કાઢવા ક્યાંથી ? એટલે વાતાવરણ જોઈ અને કદાચ કોંગ્રેસે ગુજરાતમાં બહુ જોર નહીં કર્યું હોય તેમ માનવું સ્વાભાવિક છે.
તો દેશમાં સૌથી વધુ ફંડ અને ફોલોઅર્સ ધરાવતી ભારતીય જનતા પાર્ટી પણ પોતાના દમદાર ચહેરાઓથી ગુજરાતમાં વિમુખ રહી. અમદાવાદમા ઊભા કરાયેલા મીડિયા સેંટર્સમાં પણ કોઈ ખાસ આકર્ષણ ના મળ્યા. ‘ક્રાઉડ પૂલર્સ’ કહી શકાય તેવા ચહેરાઓના રોડ શો કે સભાઓ ના થઈ. 22 એપ્રિલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ બેઠકથી લોકસભા ચૂંટણીનો ઝ્ંઝાવાતી પ્રચાર કરશે તેવી પણ વાત વહેતી થઈ હોવા સાથે 10 જેટલી જ્નસભા સંબોધશે તેવું પણ વહેતું થયું. પણ આમાનું કઈ ના થયું. મોદીએ,પવન પારખી સભાઓ એક સપ્તાહ મોડી કરી,10 ની જગ્યાએ માત્ર 6 જ જનસભા અને રાજકોટથી 100 કિલોમીટર દૂર જ 4 સભાઓ કરી છ્તા ક્યાંય રૂપાલાનો ઉલ્લેખ પણ નહીં, અને રૂપાલા જનસભાના મંચ પર પણ નહીં. કદાચ એટલે જ ભાજપે પોતાના ફિલ્મી કલાકારો,સિરિયલના ચહેરાઓને સૌરાષ્ટ્ર-ગુજરાતથી દૂર રાખ્યા. પાયાના કાર્યકરોની સમયાંતર થતી અવગણના અને સ્થાનિક રાજકારણનો કચવાટ મતદાનમાં દેખાય તો નવાઈ નહીં,કારણકે સ્થાનિક કાર્યકરો જ જો નિરુત્સાહ હોય તો ‘વાડ ને વેલ ચઢે કેવી રીતે’ ?
ક્ષત્રિય સમાજ પછી હવે કોળી સમુદાય મેદાનમાં
છેલ્લા 40 દિવસથી ક્ષત્રિય સમાજ અને ભાજપ આમને-સામને છે ઠેર-ઠેર ભાજપના ઉમેદવારોનો વિરોધ થઇ રહ્યો છે.ત્યારે, કોળી સમાજનું લોહી ઊકળી ઊઠે તેવું નિવેદન રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ એક જ્નસભામાં આપતા હવે ભાજપા સામે કોળી સમુદાયે મોરચો માંડ્યો છે. ભાજપ માટે આ વખતે દેશના કેટલાક રાજ્યોમાં જીત સરળ નથી. પણ ગુજરાત હૃદય સ્થાને છે. અહીં ભાજપને 26 માથી એક પણ બેઠક ઓછી થાય એ મર્મભેદી સ્થિતિ બને. સુરતની એક બેઠક આવી ગયા પછી હવે ભાજપ,જ્યાં વિરોધ થઈ રહ્યો છે તેના શમન અને વધુ વોટિંગની ફિરાકમાં છે.એ તો નક્કી છે.
બે તબક્કામાં ઓછું મતદાન,ત્રીજામાં ગુજરાત પર નજર
દેશભરમાં મતદારોનો મિજાજ અકળ જણાઈ રહ્યો છે. પહેલા બે તબક્કામાં થયેલા મતદાનમાં લગભગ 7 ટકા મતદાન 2019ની સરખામણીમાં ઓછું થયું. બે દિવસ પછી ચૂંટણી પંચે નવા નાડા રિલિઝ કરતાં વધુ એક વિવાદ થયો. કેન્દ્ર સરકારના જ જ્યાં સરકાર છે તેવા ઉત્તર પ્રદેશ અને બિહારમાં થયેલા ઓછા મતદાનથી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હવે 7 મી તારીખે કેવું અને કેટલું મતદાન થાય છે તેના પર નજર છે. વાત ગુજરાતની કરીએ તો છેલ્લી બે ટર્મથી 26 એ 26 બેઠક જીતીને કોંગ્રેસનાં સૂંપડા સાફ કરી દેનાર ભાજપને આ વખતે બેઠકો ઓછી થવાનો ભય છે.