SIR: રાજ્યમાં 44 લાખ મતદારોને ચૂંટણી પંચ પાઠવશે નોટિસ, જાણો શું છે કારણ…

ગાંધીનગરઃ ડિસેમ્બર 2025માં ગુજરાતમાં SIRની પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવી હતી. ડ્રાફ્ટ યાદી પ્રમાણે ગુજરાતમાં કુલ 4 કરોડ 34 લાખ મતદારની નોંધણી થઈ હતી. એસઆઈઆર પ્રક્રિયા બાદ 73 લાખ 73 હજાર 327 મતદારો કમી કરવામાં આવ્યાં હતી. આ સાથે 9 લાખ 69 હજાર 661 મતદારો તેના સરનામે મળ્યાં જ નહોતા. હવે જો આગામી દિવસમાં તમારા ઘરે ચૂંટણી પંચની નોટિસ આવે તો સમજી લેજો કે તમે એકલા નથી. રાજ્યમાં આશરે 44 લાખ મતદારોને ડ્રાફ્ટ મતદાર યાદીમાં નામ હોવા છતાં ફોર્મમાં જોવા મળેલી વિસંગતતના કારણે નોટિસ પાઠવવામાં આવશે.
અમદાવાદીઓને મળશે સૌથી વધુ નોટિસ
સૂત્રોના જણાવ્યા અનુસાર, આમાંની મોટાભાગની નોટિસ રાજ્યના મુખ્ય શહેરોમાં રહેતા મતદારોને મોકલવામાં આવશે. માત્ર અમદાવાદમાં જ નવ લાખથી વધુ લોકોને નોટિસ આપવામાં આવશે. કુલ નોટિસની 20 ટકા જેટલી નોટિસ અમદાવાદ જિલ્લાના લોકોને અપાશે.
નોટિસ મળ્યા બાદ શું કરવું પડશે
નોટિસ મળ્યા બાદ મતદારોને અધિકારી સમક્ષ હાજર થઈ જરૂરી વિગતો આપવા માટે નિયત સ્થળ અને સમય પણ આપવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, “જેમના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં છે પરંતુ વિસંગતતાઓ જણાઈ છે તેવા કુલ 44 લાખ મતદારોને નોટિસ આપવામાં આવશે. આવા કિસ્સાઓમાં, આ મતદારોએ તેમની જન્મ તારીખનો પુરાવો અને કેટલાક કિસ્સાઓમાં રહેઠાણનો પુરાવો પણ આપવો પડશે.
બીજી તરફ, 20 ડિસેમ્બર 2025 થી શરૂ થયેલા વેરિફિકેશન તબક્કા દરમિયાન, BLOએ અમદાવાદ અને અન્ય શહેરોની રહેણાંક સોસાયટીઓની મુલાકાત લઈને મતદારોને નોટિસ આપ્યા વિના જ જરૂરી દસ્તાવેજો એકત્ર કર્યા હતા.
આ પણ વાંચો…SIR: રાજ્યના અડધાથી વધુ ‘શિફ્ટ’ થયેલા મતદારો માત્ર અમદાવાદ અને સુરતના

SIRમાં અમદાવાદમાં કેટલા મતદારો કપાયા
અમદાવાદમાં એસઆઈઆરની કામગીરી પહેલા કુલ 46,70,087 મતદારો હતા. તેમાંથી સ્થળાંતર, મૃત્યુ, ગેરહાજર જેવા કારણોના લીધે 12.32 લાખથી વધુ નામ ડ્રાફ્ટ યાદીમાંથી બાકાત રહ્યા હતા. જ્યારે અમદાવાદની 16માંથી 10 બેઠક પર રદ થયેલા મતદારો ગત ચૂંટણીમાં જીતના અંતરથી વધારે હતું.
શહેરમાં પાટીદારોની વસતી ધરાવતા નિકોલ, ઠક્કરબાપાનગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર,વેજલપુર, વટવામાં રદ થયેલા મતદારો 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચેના જીતના અંતરથી પણ વધુ છે. આ બેઠકો પર રદ થયેલા મતો 7.52 લાખ છે અને ભાજપ-કોંગ્રેસ વચ્ચે જીતનું કુલ અંતર 4.20 લાખ છે.
2022 વિધાનસભા ચૂંટણીમાં 16 બેઠક પર કોંગ્રેસને કુલ 6.16 લાખ મત મળ્યા હતા, જ્યારે રદ થયેલા મત 12.32 લાખ છે. ભાજપને કુલ 16.45 લાખ મત મળ્યા હતા. તમામ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે જીતનું અંતર 10.83 લાખ હતું, જ્યારે રદ થયેલા મત તેનાથી 1.49 લાખ વધુ છે. જમાલપુર ખાડિયા,દાણીલીમડા સિવાય તમામ બેઠક ભાજપ પાસે છે.
ડ્રાફ્ટ યાદીમાં શહેરના કુલ 34,37,255 મતદારનો સમાવેશ કરાયો હતો, જેમાં સૌથી વધુ 34,527 ગેરહાજર મતદાર વટવા વિધાનસભાના હતા. વટવાના ગેરહાજર મતદારોની સંખ્યા અન્ય પાંચ વિધાનસભાના કુલ ગેરહાજર મતદારો જેટલી થાય છે.
આ પણ વાંચો…SIR બાદ હવે વસ્તી ગણતરી માટે સરકારી કર્મચારીની મદદ લેવાશે, આ રીતે સોંપાશે કામગીરી



