આપણું ગુજરાતટોપ ન્યૂઝ

આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાની કેમ પસંદગી કરી?

વિસાવદર: ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા સીટની પેટા ચૂંટણી થોડા સમયમાં જાહેર થઈ શકે છે. ચૂંટણીની તારીખ જાહેર થયા પહેલા જ આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદર સીટ માટે ગોપાલ ઈટાલિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી. વિસાવદર બેઠક પાટીદારનો ગઢ માનવામાં આવે છે. ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. કેશુભાઈ પટેલ 1995 અને 1998માં ભાજપમાંથી તથા 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)માંથી વિજેતા બન્યા હતા. વિસાવદર વિધાનસભામાં કુલ 2.70 લાખથી વધુ મતદારોનો સમાવેશ થાય છે અને તેમાં 50 ટકા લેઉવા પાટીદાર મતદારોનો સમાવેશ થાય છે. ગોપાલ ઇટાલિયા પાટીદાર હોવાથી આમ આદમી પાર્ટીએ તેને ટિકિટ આપીને માસ્ટરસ્ટ્રોક માર્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વિસાવદર અને કડીની સીટ માટે પેટા ચૂંટણી જાહેર થશે: ફરી કોંગ્રેસની થશે અગ્નિપરીક્ષા?

વિસાવદરમાં કેમ પેટા ચૂંટણી?

કૉંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ હાઇ કોર્ટમાં 2022ના ચૂંટણી પરિણામને પડકારતી અરજી પરત લીધી હતી. 2022માં આ સીટ પર આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીનો વિજય થયો હતો. પરંતુ લોકસભા ચૂંટણી પહેલા તેમણે રાજીનામું ધરી દીધું હતું અને ભાજપમાં સામેલ થઈ ગયા હતા. થોડા દિવસ પહેલા જ હર્ષદ રિબડીયાએ અરજી પરત ખેંચી લેતા આ બેઠક પર પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયો હતો.

નીતિન પટેલને કરેલા ફોનનો ઓડિયો થયો હતો વાઇરલ

ગોપાલ ઇટાલિયાનો જન્મ 21 જુલાઈ 1989 ના રોજ બોટાદમાં થયો હતો. તેમણે પોતાનો પ્રાથમિક અભ્યાસ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામમાં અને માધ્યમિક અભ્યાસ ધોળા ગામમાં પૂર્ણ કર્યો. તેમણે ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદમાંથી રાજકીય વિજ્ઞાનમાં ડિગ્રી મેળવી છે.

ગોપાલ ઇટાલિયા તેના આખાબોલા નિવેદન માટે જાણીતો છે. રાજકારણમાં જોડાતા પહેલા ગોપાલ ઈટાલિયાએ પહેલી નોકરી 2013માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે કરી હતી. અમદાવાદના માધુપુરામાં પોસ્ટિંગ મળ્યા પછી રેવન્યુની એક્ઝામ પાસ કરીને અમદાવાદ કલેક્ટર ઓફિસમાં ક્લાર્ક તરીકે નોકરી કરી હતી. ત્યાંથી ઈટાલિયાની બદલી ધંધૂકા સબ રજિસ્ટ્રાર કચેરીમાં રેવન્યુ ક્લાર્ક તરીકે થઈ. આ તેની છેલ્લી નોકરી હતી. જેનું કારણ ગોપાલ ઈટાલિયાએ તેના આક્રમક વિચારોને અમલમાં મૂકવાનું શરૂ કર્યું હતું.

2017માં વિધાનસભાની ચૂંટણી આવી રહી હતી ત્યારે ઈટાલિયા ગાંધીનગર સચિવાલય પહોંચી ગયા હતા. તક જોઈને તત્કાલીન ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પર ચંપલનો ઘા કર્યો. ચંપલ વાગ્યું નહોતું, પણ ઈટાલિયા સામે આ હરકત કરવા બદલ કાર્યવાહી થઈ હતી. આ ઘટના બાદ તેઓ લાઇમલાઇટમાં આવ્યા હતા. આ જ વર્ષમાં ગોપાલ ઈટાલિયાએ નીતિન પટેલને ફોન કર્યો અને રાજ્યમાં પ્રોહિબિશનના કાયદાના નબળા અમલીકરણ માટે ઉગ્ર ભાષામાં વાત કરી. આ ઓડિયો આખા ગુજરાતમાં વાઇરલ થયો અને ગોપાલ ઈટાલિયાનું નામ ચર્ચામાં આવી ગયું. જોકે આના કારણે ગોપાલ ઈટાલિયા સામે કાર્યવાહી પણ થઈ હતી.

છેલ્લા ત્રણ દાયકાથી વિસાવદરમાં કોણ જીત્યું

વિસાવદર સીટ પાટીદારોનો ગઢ હોવાથી અહીં મોટા ભાગે પાટીદારને જ ટિકિટ આપવામાં આવે છે. આ બેઠક પર પાટીદારોનો જ દબદબો રહ્યો છે. 1995 અને 1998માં સ્વ. મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ ભાજપમાંથી જીત્યા હતા. 2002 અને 2007માં ભાજપમાંથી કનુભાઈ ભાલાળા વિજેતા બન્યા હતા. 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી ફરી એક વખત સ્વ. કેશુબાપા વિજેતા થયા હતા. જે બાદ તેમણે જીપીપીને ભાજપમાં ભેળવી દીધી હતી. 2014માં યોજાયેલી પેટા ચૂંટણીમાં કૉંગ્રેસમાંથી હર્ષદ રિબડિયા જીત્યા હતા. 2017માં પણ હર્ષદ રિબડિયા વિજેતા થયા હતા. 2022માં ભાજપ અને કૉંગ્રેસના બદલે વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણીને વિજેતા બનાવ્યા હતા.

અમરેલી પાયલ ગોટીને ન્યાય અપાવવા ખૂદ માર્યા હતા પટ્ટા

2025ની શરૂઆતમાં પાટીદાર યુવતી પાયલ ગોટીએ પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો અને બનાવટી લેટરની એફએસએલ તપાસ કરવાની પણ માગ કરી હતી. જેના પગલે આપ નેતા અને પાટીદાર ગોપાલ ઇટાલિયાએ સુરતમાં જાહેરમાં પોતાની જાતને પટ્ટા મારીને યુવતીને ન્યાય મળે તેની માંગ કરી હતી. તેમણે ગુજરાતનો આત્મા જાગવો જોઈએ બોલીને પોતાને જ પટ્ટા માર્યા હતા. ગોપાલ ઇટાલિયાએ સુરતમાં જાહેરમાં જણાવ્યું હતું કે, અમે રજૂઆત લઈને જઇએ તો અમારી પર એફઆઇઆર કરવામાં આવે. એટલે મે નક્કી કર્યું છે અમે દીકરીને ન્યાય નથી અપાવી શકયા અને એટલે દીકરીને પોલીસે જે પટ્ટા માર્યા છે તે એ પટ્ટા આજે હું આજે જાહેરમાં ખાઇશ. આ દીકરીને માર્યા છે એ પટ્ટા મને મારવા જોઇએ અને ગુજરાતનો આત્મા જાગવો જોઇએ. પોલીસ દીકરીને પટ્ટા કેવી રીતે મારી શકે? આ ઘટનાથી ગુજરાતનો આત્મા જાગવો જોઈએ અને દીકરીને ન્યાય મળવો જોઈએ.

2022 વિધાનસભા ચૂંટણીમાં આપને કેટલી સીટ મળી હતી

2022 વિધાનસભા ચૂંટણીમાં આપની એન્ટ્રીથી ભાજપને ફાયદો થયો હતો. કૉંગ્રેસ માત્ર 17 બેઠક જીતી શક્યું હતું અને આમ આદમી પાર્ટીને 5 સીટ મળી હતી. ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથીરિયા જેવા મોટા માથાઓ હારી ગયા હતા. ભાજપે 156 સીટ જીતીને ઈતિહાસ રચ્યો હતો. 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એમ બંનેએ વિસાવદર અને કડી બેઠક પર તેમના ઉમેદવારો ઊભા રાખ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button